BREAKING NEWS

રાજકોટ જિલ્લામાં 2025માં ૧૮ કરોડનો દારૂ પકડાયો, ૨૪ નશાના સોદાગરો ઝડપાયા, ૬૪ અપહ્યુત બાળાઓને મુક્ત કરાવાઈ

  • January 01, 2026 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વર્ષ 2025 દરમિયાન રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીની આંકડાકીય વિગતો જાહેર કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને વર્ષ દરમિયાન પોલીસે પ્રોહિબિશન એટલે કે દારૂના 9,361 કેસ કરી રૂપિયા 17.82 કરોડનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. જેમાંથી 15.57 કરોડનો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત માદક પદાર્થના 20 કેસો કરી 24 આરોપીઓની ધરપકડ કરી રૂપિયા 43.73 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.


રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા વર્ષ 2025 દરમિયાન કરવામાં આવેલી કામગીરીના આંકડાઓ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પોલીસે જીપીએકટ 55, 57 હેઠળ 135 કેસ કરવામાં આવ્યા હતા. પાસા હેઠળ 75 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. હથિયારધારાના 15 કેસ કરવામાં આવ્યા હતા. જ્યારે જુગારધારાના 2018 કેસ નોંધાયા હતા.


વર્ષ દરમિયાન જિલ્લા પોલીસે માદક પદાર્થની હેરફેરને અટકાવવા માટે ખાસ ફોકસ કર્યું હતું. જે અંતર્ગત પોલીસે માદક પદાર્થના 20 કેસો કરી 24 આરોપીઓની ધરપકડ કરી હતી તેમજ રૂપિયા 43.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. માદક પદાર્થનો વેપલો કરતા ચાર આરોપીઓને પીઆઇટી એનડીપીએસ હેઠળ અટકાયત કરી જેલહવાલે કર્યા હતા.પોકસો એક્ટ હેઠળ 152 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમજ અપહ્યુત 64 બાળકોને શોધી કાઢવામાં આવી હતી.


વર્તમાન સમયમાં પોલીસ માટે પડકાર સમાન સાયબર ફ્રોડ સામે પણ રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી હતી. સાયબર એકટ હેઠળ થયેલી અરજીમાં એકાઉન્ટ ફ્રીજ કરાવી રૂ. 3.33 કરોડની રકમ અરજદારોને પરત અપાવી હતી. ઓપરેશન મ્યૂલ હંટ અંતર્ગત 12 ગુના દાખલ કરી 31 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.


બ્લેક ફિલ્મના 1265, ઓવર સ્પીડ ના 469 કેસ

રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ શહેરમાં અને ખાસ કરીને હાઇવે પર સમયાંતરે સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વર્ષ દરમિયાન રાજકોટ જિલ્લા પોલીસે કાળા કાચ ધરાવતી 12,465 કારનાચાલકો સામે કેસ કરવામાં આવ્યા હતા તેમજ ઓવર સ્પીડના 459 કેસ કરાયા હતા. આ ઉપરાંત 30737 વાહનો ડીટેઇન કરાયા હતા. દારૂ પી વાહન ચલાવનાર વાહન ચાલકો સામે પણ જિલ્લા પોલીસે કડક કાર્યવાહી કરી ડ્રીંક્સ એન્ડ ડ્રાઇવના 8007 કેસ કર્યા હતા.


સરકારી જમીન પર દબાણ કરનાર સામે લાલઆંખ

રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા આ વખતે સરકારી જમીન પર દબાણ કરનારાઓ સામે પણ લાલ આંખ કરવામાં આવી હતી. દબાણ અંગેના 60 કેસ કરી દબાણ દૂર કરી રૂપિયા 6.74 કરોડની જમીન ખુલી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application