વિંછીયા પોલીસ મથકના સ્ટાફે મોટા માત્રા ગામની સીમ વિસ્તારમાં ફિલ્મી ઢબે કારનો પીછો કરી કારમાંથી રૂ.2.02 લાખનો 156 બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.જોકે અંધારાનો લાભ લઇ બુટલેગર પરબત વાટુકિયા નાસી છૂટ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો અને કાર સહિત કુલ રૂપિયા 5.02 લાખનો મુદ્દામાલ કબજે કરી નાસી ગયેલા બુટલેગરને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ રાજકોટ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા ડ્રાઇવનું આયોજન કરવા માટે સૂચના આપવામાં આવી હોય જેને લઇ ગોંડલ ડીવાયએસપી કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ વિંછીયા પોલીસ મથકના પીઆઇ એ.સી. ડામોરની રાહબરીમાં ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે મોટા માત્રાનો પરબત વાટુકિયા સ્વીફ્ટ કાર નંબર જીજે 1 કે.ઝેડ 7198 માં દારૂના જથ્થાની હેરફેર કરી રહ્યો છે.મોટા માત્રા ગામે પહોંચી કારનો પીછો કરતા આરોપી વાહન મૂકી નાસી ગયો હતો.
પોલીસે કારમાં તપાસ કરતા તેમાંથી રૂપિયા 2.02 લાખની કિંમતનો 156 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂનો આ જથ્થો અને કાર સહિત કુલ રૂપિયા 5.02 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.જ્યારે નાસી ગયેલા બુટલેગર પરબત મથુરભાઈ વાટુકિયા (રહે. મોટા માત્રા વિંછીયા) ને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. દારૂના આ દરોડાની કામગીરીમાં વિંછીયા પોલીસ મથકના પીઆઇ એ.સી. ડામોરની રાહબરીમાં એએસઆઈ જયંતીભાઈ બાવળીયા, ટીંકલબેન વસાવા, કોન્સ્ટેબલ અમિતભાઈ શરૂ,હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ હરિયાણી સાથે રહ્યા હતા.