BREAKING NEWS

ભાવનગરમાં લીવ-ઈન પાર્ટનરના હત્યારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, રીકન્સ્ટ્રક્શન માટે સ્થળ પર લાવી જાહેરમાં કરી સરભરા

  • September 05, 2026 07:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





ભાવનગર શહેરના એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે આડા સંબંધની શંકાને લઈને એક યુવકે પોતાની સાથે લિવ-ઇનમાં રહેતી મહિલાની નિર્મમ હત્યા કરી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. આરોપીએ મહિલાને જમીન પર પછાડી પછાડીને માર માર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટનાની તપાસ દરમિયાન પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને ત્યારબાદ ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.

જોકે, આ રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસની કામગીરીને લઈને પણ ગંભીર સવાલો ઊભા થયા છે. આક્ષેપ મુજબ, નીલમબાગ પોલીસ સ્ટેશનના PI ડી.પી. ઉનડકટે આરોપી ફૈઝલને દોરડાથી બાંધી જાહેરમાં લાકડીઓ વડે માર માર્યો હતો. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આશરે 10 મિનિટ દરમિયાન આરોપીને 100થી વધુ લાકડીના ફટકા મારવામાં આવ્યા હતા.



આડા સંબંધની શંકાએ થયો હતો ઝઘડો

મળતી માહિતી મુજબ, ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા ભાગુબેન બારૈયાની 40 વર્ષીય દીકરી કાજલબેન છેલ્લા આશરે આઠ વર્ષથી એસ.ટી. બસ સ્ટેન્ડની ફૂટપાથ પર રહેતા 20 વર્ષીય ફૈઝલ ઉર્ફે ખાટકી લાખાણી સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી હતી.

તાજેતરમાં જેલમાંથી બહાર આવેલા ફૈઝલે કાજલબેન સાથે આડા સંબંધની શંકાને લઈને ઝઘડો કર્યો હતો. તેણે કાજલબેનને પૂછ્યું હતું કે, "હું જેલમાં હતો ત્યારે તું અન્ય વ્યક્તિ સાથે કેમ વાત કરતી હતી?" આ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.



વાળ પકડીને માથું જમીન પર પછાડ્યું હતું 

ઝઘડો ઉગ્ર બનતા ફૈઝલે કાજલબેન અને તેમના ઓળખીતા રવિને માર માર્યો હતો. ત્યારબાદ આરોપીએ કાજલબેનના વાળ પકડી તેમનું મોઢું અને ગળું બસ સ્ટેન્ડની જમીન પર રહેલી ટાઇલ્સ સાથે વારંવાર પછાડ્યું હોવાનો આરોપ છે.

ગંભીર ઈજાઓ થતાં કાજલબેનને સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાના દૃશ્યો બસ સ્ટેન્ડમાં લાગેલા CCTV કેમેરામાં પણ કેદ થયા હોવાનું સામે આવ્યું છે.


પોલીસે આરોપીની ધરપકડ કરી

મૃતકની માતાની ફરિયાદના આધારે નીલમબાગ પોલીસે ફૈઝલ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસ ટીમ આરોપીને ઘટનાસ્થળે લઈ ગઈ હતી અને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.

આ દરમિયાન PI દ્વારા આરોપીને જાહેરમાં લાકડીથી માર મારવામાં આવ્યો હોવાના દૃશ્યો સામે આવ્યા છે. ઘટનાએ પોલીસની કાર્યવાહી અને આરોપી સાથેના વર્તન અંગે પણ ચર્ચા જગાવી છે. સમગ્ર મામલે હવે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application