રાજકોટમાં આગામી 31 ડિસેમ્બર ની ઉજવણી માટે તડામાર તૈયારીઓને આયોજકો દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે શહેર અને જિલ્લામાં ૧૪ આયોજન પાર્ટી પ્લોટ કે ફાર્મ હાઉસમાં યોજાઈ રહ્યા હોય પોલીસ પાસે મંજૂરી માગવામાં આવી છે પરંતુ આ લખાય છે ત્યાં સુધી એક પણ આયોજકોને મંજૂરી આપવામાં આવી નથી પરંતુ સાંજ સુધીમાં મંજૂરી અપાઈ તેવી શક્યતા વર્તાઈ રહી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટમાં થર્ટી ફર્સ્ટની ઊજવણી સંદર્ભે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા પ્લાનિંગ સાથે 31 ડિસેમ્બર ની પાર્ટી નું આયોજન કરતા આયોજકોને સિક્યુરિટીના નિયમ અને ડોક્યુમેન્ટ ચકાસણીના આધારે પોલીસ દ્વારા આયોજકોને મંજૂરી આપવામાં આવશે.
આ અંગે શહેર યુવા ડીસીપી જગદીશ બાંગરવાએ સાંધ્ય દૈનિક "આજકાલ" સાથેની વાતચીતમાં જણાવ્યા મુજબ શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં થર્ટી ફર્સ્ટ ની પાર્ટીની લોકો ઉજવણી કરી શકે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં મહિલા અધિકારી કર્મચારીઓ ની ટીમો તેમજ મહત્વની બ્રાન્ચો રાઉન્ડ ધ ક્લોક પોલીસ સાથે પેટ્રોલિંગ કરવામાં આવશે.
આ ઉપરાંત રાત્રિ દરમિયાન માદક દ્રવ્યોનું સેવન તેમજ દારૂ તથા ડ્રગ્ઝ કરનારાઓ પર ખાસ વોચ રાખવામાં આવશે જે બાબતે આગમચેતી રૂપે નાઈટ પેટ્રોલિંગ વધુ સતેજ કરાયું છે. થર્ટી ફર્સ્ટ નાઈટ પાર્ટી કે ઉજવણીના નામે કોઈપણ પ્રકારનું અણછાજતું કાર્ય ન કરવાના આવે તેનું ખાસ ધ્યાન રાખી પાર્ટી દરમિયાન આયોજકોની જવાબદારી પણ ફિક્સ કરવામા આવી છે
રાજકોટ શહેરમાં ૧૧ અને જિલ્લામાં ૩ જેટલા સ્થળોએ જાહેર આયોજન માટે મંજૂરી માગવામાં આવી છે. હજુ સુધી એક પણ આયોજકને મંજૂરી પોલીસ કમિશનર અને ગ્રામ્ય એસ.પી દ્વારા આપવામાં આવી નથી પરંતુ સાંજ સુધીમાં મંજૂરી મળે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે
વધુમાં ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે એસઓજીની ટીમ એફએસએલની ખાસ વાન સાથે અધિકારીને સાથે કાર્યક્રમ સ્થળે તેમજ જાહેર માર્ગો પર સરપ્રાઈઝ ચેકિંગ કરી ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ મારફતે ડ્રગ્સનું સેવન હોય તેવા શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ ઉપરાંત મહત્વની બ્રાન્ચો દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે.
સિક્યુરિટી ચેકિંગ અને ડોક્યુમેન્ટ ચકાસણી કર્યા બાદ આયોજની મંજૂરી
31 ડિસેમ્બર સંદર્ભે સ્થાનિક પોલીસ સ્ટેશન હેઠળ આવતા આયોજન સ્થળ ડોક્યુમેન્ટ્સ, સિક્યુરિટી તેમજ તમામ જરૂરી પાસાઓ ચકાસાયા બાદ મંજૂરી આપવામાં આવશે,પરમિશનમાં મુકાયેલી કોઈ શરતનો ભંગ ન થાય, તેમજ નશા કરેલા વ્યક્તિઓ આયોજનમાં પ્રવેશ ન કરે તેની સંપૂર્ણ જવાબદારી પાર્ટી આયોજકની રહેશે.
યુવતીઓની સુરક્ષા માટે મહિલા સી ટીમ ખાનગી ડ્રેસમાં ફરતી રહેશે
થર્ટી ફર્સ્ટ નાઈટ સમયે નીકળતા પરિવારો, ખાસ કરીને યુવતીઓને કોઈ મુશ્કેલી ન પડે તેની પુરી તકેદારી રખાશે,પાર્ટીના આયોજન માં આવારા છેલબટાઉ તત્વો પર નજર રાખવા માટે મહિલા પોલીસની સી-ટીમ પણ કાર્યરત રહેશે, જાહેર માર્ગો, સર્કલો અને આયોજન સ્થળ પર બ્રેથ એનલાઈઝર અને ડ્રગ્સ ટેસ્ટિંગ કીટથી ચેક કરવામાં આવશે.