અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ અને ભારે પવન સાથેના મીની વાવાઝોડા સમા તોફાન વચ્ચે ચલાલા નગરપાલિકામાં રાજકીય તોફાન સર્જાયું છે. ભાજપ શાસિત પાલિકામાં 24માંથી 20 સભ્યોએ પ્રમુખ અને ઉપ પ્રમુખ વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્ત ચીફ ઓફિસરને રજુ કરી છે. સભ્યોનો આક્ષેપ છે કે,
પ્રમુખ-ઉપ પ્રમુખની નિમણુંકથી આજદિન સુધી બોર્ડ બોલાવવા આવી નથી અને વિશ્વાસમાં લેવામાં આવતા નથી, વધુમાં ભ્રષ્ટાચાર, વહીવટી અજ્ઞાન, સંકલનનો અભાવ સહિતના મુદ્દાઓ રજુ કરવામાં આવ્યા છે. રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના જિલ્લામાં જ ભાજપ શાસિત પાલિકામાં ભાજપના જ સભ્યોએ પ્રમુખ-ઉપ પ્રમુખ સામે બંડ પોકારતા આ પ્રદેશ નેતાગીરી સુધી પડઘા પડ્યા છે. જેને લઈને હવે ડેમેજ કંટ્રોલ માટે કવાયત શરૂ કરવામાં આવી છે.
મળતી વિગત મુજબ ભાજપ દ્વારા તાજેતરમાં જ નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણુંક બાદ સરકાર દ્વારા મંત્રીમંડળનું વિસ્તરણ કરી જમ્બો મંત્રીમંડળ બનાવવામાં આવ્યું છે. રાજકીય એપી સેન્ટર ગણાતા અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી મોટા નેતાઓના ગજગ્રાહ પડદા પાછળ ચાલતા જોવા મળી રહ્યા હતા. જો કે હજુ પણ આ ટાંટિયા ખેંચની લડાઈ ગુપ્ત રીતે ચાલતી હોવાનું હાલના રાજકીય હવામાનને જોતા મનાઈ રહ્યું છે. જેનું ઉદાહરણ ચલાલા ભાજપ શાસિત નગર પાલિકામાં ઘણા સમયથી જોવા મળી રહયું છે. ભાજપે 24 માંથી 24 બેઠક પર વિજય વાવટો ફરકાવ્યો પરંતુ પ્રમુખ તરીકે નયનાબેન વાળા અને ઉપપ્રમુખ તરીકે પ્રવીણભાઈ માલવિયાની વરણી કરતા જ સભ્યોમાં નારાજગી જોવા મળી હતી. અને આ નારાજગી વચ્ચે પ્રમુખ દ્વારા પ્રથમ બોર્ડ બોલાવામાં આવ્યું હતું જેમાં માત્ર બજેટ સિવાય એક પણ મુદ્દો લેવામાં આવ્યો નહતો અને આગામી વિકાસ કામ સહિતના આયોજન અંગે પણ કોઈ ચર્ચા આજસુધી કરવામાં ના આવતા સભ્યોમાં નારાજગી વધુ વધી હતી. જે ઉકળાટ હવે કાગળ ઉપર અને જાહેરમાં આવતા રાજકીય ઘમાસાણ સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.
પ્રમુખ અને ઉપ પ્રમુખના નિર્ણયોથી નારાજ ભાજપના 24 પૈકીના 20 સભ્યોએ સહી સાથેની અવિશ્વાસની દરખાસ્ત ચીફ ઓફિસરને સોંપી છે.
ભ્રષ્ટાચાર, વહીવટી અજ્ઞાનતા,સંકલનનો અભાવ, અસભ્ય વાણી વર્તન, અવિશ્વાસ, અને સભ્યોની સતત અવગણના, વારંવાર જુઠ્ઠું બોલવાની ટેવ સહિત ના કારણો આગળ ધર્યા હતા. પાલિકામાં અંદાજે 17 કરોડ રૂપીયાની ગ્રાન્ટ હોવા છતા શહેરના વિકાસ કાર્યોના આયોજન થઇ શક્યા નથી. વિશેષમા સભ્યોના જણાવ્યા મુજબ થોડા સમય પહેલા વિશેષ સફાઈ મુદ્દે ત્રણ લાખના કામમાં બે લાખનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો અને વોટર કુલર, લાઇટના ટાવર, તેમજ ૨૫ લાખના ખર્ચે નવા ઉભા કરાયેલા એલઈડી સહિતના વીજપોલમાં પણ નબળી ગુણવતા અને ભ્રષ્ટાચાર થયા હોવાની રજૂઆત કરવામાં આવી હતી. એમ છતાં કોઈ પરિણામ નહીં આવતા આ મુદ્દે સ્થાનિક ધારાસભ્ય જીલ્લા ભાજપ પ્રમુખ અને પ્રદેશના આગેવાનોને અનેકવાર રૂબરૂ રજૂઆત કરી હોવા છતાં જિલ્લા નેતાગીરી દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આખરે ધીરજ ખૂટતા શહેરના વિશાળ હિતમાં દરખાસ્ત આપી હોવાનું જણાવ્યું છે. અંતમાં જણાવ્યું હતું કે, પ્રમુખને પણ 15 દિવસમાં બોર્ડ બોલાવવા માટેની લેખિત અરજી આપેલ છે.. જો 15 દિવસમાં પ્રમુખબોર્ડ નહીં બોલાવે તો ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવશે.
ધારાસભ્ય જે.વી.કાકડિયાના ભેદી મૌનથી અનેક ચર્ચા
ચલાલા મત વિસ્તાર ધારાસભ્ય જે.વી.કાકડિયાનો હોવાથી પાલિકાની ચૂંટણીમાં ટિકિટ કોને આપવી અને કોની કાપવી તેમજ પ્રમુખ અને ઉપ પ્રમુખ તરીકની નિમણુંકમાં તેમની સક્રિય ભૂમિકા રહી હતી. ધારાસભ્ય દ્વારા પાલિકામાં માનીતા પદાધિકારીઓને ખુરશીએ બેસાડ્યા બાદ ઉભા થતા વિવાદોથી હંમેશા દૂર રહ્યા છે. ત્યારે વધુ એક વખત પાલિકામાં તેમના જ માનીતા પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજુ થતા ધારાસભ્યનું ભેદી મૌન અનેક તર્ક ઉભા કરી રહ્યું છે.