પોરબંદરના યુવાન ઉપર જામનગર રહેતા તેમના બે કૌટુંબિક કાકાએ હુમલો કરતા પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. પોરબંદરના વીરડીપ્લોટમાં રહેતા અને છુટક મજૂરી કામ કરતા ભાવેશ નરેશભાઇ પરમાર નામના ૨૦ વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તા. ૩૦-૪ના તેની સગી બહેન સોનલના લગ્નપ્રસંગ અનુસંધાને તેના નાનાના ઘરે હાજર હતો ત્યારે જામનગર રહેતા તેના કૌટુંબિક કાકા ચીમન મનસુખ પરમાર અને વિશાલ મનસુખ પરમાર બંને બાઇકમાં ત્યાં આવી પહોંચ્યા હતા અને ભાવેશને તારીબહેન સોનલના લગ્ન તમારી મરજીથી કેમ કર્યા? લગ્ન તોડાવી નાખીશું અને જેટીના કામમાં ડમ્ફરના કોન્ટ્રાકટરનું કામ તે શા માટે કર્યુ? તમે હમણાં બહુ ચડી ગયા છો અને અમને પૂછયા વગર બધુ કામ કરો છો તેમ કહીને ઉશ્કેરાઇને ગાળો બોલવા લાગ્યા હતા એટલું જ નહીં પરંતુ ચીમને લોખંડના પાઇપ વડે માર માર્યો હતો તો વિશાલે લાકડી વડે માર માર્યો હતો અને બંને જણા જતા-જતા ધમકી આપતા ગયા હતા કે,‘બીજી વખત તું મળીશ તો જાનથી મારી નાખશું’ ત્યારબાદ ૧૦૮ મારફતે ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલ ભાવેશ પરમારે જામનગરના ચીમન મનસુખ પરમાર અને વિશાલ મનસુખ પરમાર સામે ગુન્હો દાખલ કરાવ્યો છે.