BREAKING NEWS

અમરેલી પંથકમાં પોસ્ટ કર્મી મહિલાની ધોળા દિવસે છેડતી,સ્વ:બચાવમાં મહિલાએ કાતર મારી જાત બચાવી

  • November 14, 2025 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં મહિલાઓ રાત્રીના કોઈ ડર વગર બહાર નીકળી શકતી હોવાની વાતો છાસવારે નેતાઓ દ્વારા જાહેર મંચ ઉપર કે મીડિયા સમક્ષ જણાવાતી હોય છે. પરંતુ ધોળા દિવસે પણ સરકારી મહિલા કર્મચારીની છેડતી થાય એ ઘટના મહિલાઓની સુરક્ષા ઉપર અને નેતાઓના નિવેદનો ઉપર સવાલ ઉભા કરી રહી છે.

અમરેલી પંથકમા પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીને બાઈક સવાર શખસે રસ્તામાં રોકી હાથ પકડી છેડતી કરી હતી. મહિલાએ પ્રતિકાર કરતા શખસે છરી વડે હુમલો કર્યો હતો. જયારે સ્વબચાવમાં મહિલા કર્મચારીએ પોતાની બેગમાં રહેલી કાતર શખ્સને મારી સ્કૂટર લઇ નાશી છૂટવામાં સફળ રહી હતી. સમગ્ર ઘટના અંગે પરિવારને વાકેફ કરતા અંતે પોલીસમાં અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.

નારી સુરક્ષાની છેદ ઉડાડતી ઘટના એવી છે કે, બોટાદ પંથકમાં રહેતી અને અમરેલી જિલ્લામાં ગ્રામ્ય ડાક સેવક તરીકે ફરજ બજાવતા 27 વર્ષીય મહિલા કર્મચારી ગઈકાલે બોટાદ પંથકમાં આવેલા પોતાના ઘરેથી સ્કૂટર લઇ નોકરી સ્થળની મેઈન પોસ્ટ ઓફિસે જવા નીકળ્યા હતા ત્યારે પોસ્ટ ઓફિસ સુધી બાઇકમાં શખ્સ પીછો કરતા પોસ્ટ ઓફિસ સુધી પહોંચ્યો હતો. મહિલા કર્મી મુખ્ય પોસ્ટ ઓફિસથી કામ પૂરું કરી ફરજ સ્થળની પોસ્ટ ઓફિસે જતા હતા ત્યારે ફરીથી શખસ પાછળ આવી દેરડી પાસે પોતાની બાઈક આડે રાખી દેતા મહિલાકર્મીએ કોણ છો તું, અને ક્યારનો કેમ પીછો કરે છે? શું છે તારે ? કહેતા શખ્સ નજીક આવી મહિલાનો હાથ ખેંચી છેડતી કરી હતી. મહિલાને પ્રતિકાર કરતા શખ્સે છરી વડે હુમલો કરતા છરી મહિલાએ મોઢે બાંધેલા દુપટ્ટા ઉપર લાગતા દુપટ્ટો અને ડ્રેસ ફાટી ગયો હતો. મહિલાએ પોતાના સ્વ બચાવ માટે બેગમાં રહેલી કાતર કાઢીને શખ્સને મારતા પોતાને લાગ્યું છે કે નહીં જોવામાં રહેતા મહિલા પોતાનું સ્કૂટર લઈને ભાગી હતી. હતપ્રભ બનેલી મહિલાકર્મીએ પતિ સહીત પરિવારને બનાવની વાત કરતા અને લાઠી પોલીસમાં આશરે 45 વર્ષના અજાણ્યા પુરુષ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે શખ્સની શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application