BREAKING NEWS

ન્યુ જાગનાથ, મહાકાળી રોડ ઉપર ખાડા પુરી ટેકરા સર્જ્યા, ડ્રેનેજના ઢાંકણા ઉપર લેવાની કામગીરીમાં લોટ પાણી ને લાકડા; વાહનચાલકો ત્રાહિમામ

  • May 25, 2026 03:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૭માં ન્યૂ જાગનાથ પ્લોટની શેરીઓ અને મહાકાળી રોડ ઉપર ચૂંટણી પૂર્વે ડામરકામ કરાયું તેને હજુ એક મહિનો પણ પૂર્ણ થયો નથી ત્યાં છેલ્લા બે દિવસથી આ વિસ્તારમાં મ્યુનિ.બાંધકામ શાખાની ટીમે ડામર રોડ નીચે દબાયેલા ડ્રેનેજના ઢાંકણા બહાર કાઢવાની કામગીરી અંતર્ગત મૂર્ખામીનું પ્રદર્શન કરીને ઢાંકણાઓને રોડની સપાટીથી પણ વધુ ઉંચા લેતા સતત ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારમાં અકસ્માતનું જોખમ સર્જાયું છે. ખાસ કરીને ઉપરોક્ત કામગીરી માટે કરાયેલું ખોદકામ અને બાંધકામનો વેસ્ટ રોડ ઉપર જ્યાં ને ત્યાં જે છે તે સ્થિતિમાં મૂકીને ઇજનેરો અને કોન્ટ્રાકટર સ્ટાફ ફરાર થઇ જતાં વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.


ન્યૂ જાગનાથ પ્લોટ વિસ્તારની શેરીઓમાં પીવાના પાણીની ૪૦ વર્ષથી વધુ જૂની લાઇન બદલીને તેના સ્થાને ડીઆઇ પાઈપલાઈન નાખવા માટે આડેધડ બેફામ ખોદકામ કરવામાં આવ્યું હતું અને ચોમાસા પછી પણ રસ્તા રિપેર કરાયા ન હતા. એક વર્ષ સુધી રહીશોએ ખાડાનો સામનો કરી ભારે યાતના અનુભવી હતી. રહીશો તેમના વાહન તેમના ઘરની અંદર સુધી ન લઇ શકે તે પ્રકારનું ખોદકામ કર્યું હતું. દરમિયાન મહાપાલિકાની ચૂંટણી આવતા જેટ ઝડપે ડામરકામ શરૂ કરીને ન્યૂ જાગનાથ પ્લોટની તમામ શેરીઓને ડામરથી મઢી દેવામાં આવી હતી.


ન્યૂ જાગનાથ પ્લોટની શેરીઓ અને મુખ્ય માર્ગો ઉપર ટનાટન ડામરકામ થતા લોકો ખુશખુશાલ થઇ ગયા પરંતુ મહાપાલિકા તંત્રને લોકો ખુશ થાય તે પસંદ આવ્યું ન હોય તેમ ડામરકામ કર્યાના ફ્ક્ત એક જ મહિનામાં ડ્રેનેજના ઢાંકણાનું સર્ફેસ લેવલિંગ કરવાના નામે ફરી ખોદકામ શરૂ કર્યું હતું. છેલ્લા બે દિવસમાં ખાસ કરીને ન્યૂ જાગનાથ પ્લોટ શેરી નં.૨૦ કે જે હવે શેરી નહીં પરંતુ બજાર છે અને સતત ટ્રાફિકથી ધમધમતો રોડ છે ત્યાં આગળ તેમજ મહાકાળી મંદિર રોડ ઉપર લોટ પાણી ને લાકડા જેવી કામગીરી કરી રીતસર વેંઠ ઉતારવામાં આવી છે. ડ્રેનેજના ઢાંકણા રોડની સપાટીથી પણ વધુ ઉંચા લેતા અકસ્માતનું જોખમ ઝળૂંબી રહ્યું છે. ડ્રેનેજનું ઢાંકણું બહાર કાઢવા કરાયેલા ખોદકામ અને લેવલિંગ માટે કરાયેલા બાંધકામનો વેસ્ટ સ્થળ ઉપર મૂકીને મ્યુનિ.ઇજનેરો અને કોન્ટ્રાકટર સ્ટાફ ફરાર થઇ જતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તાકિદે ડ્રેનેજ ના ઢાંકણાંનું નિયમ મુજબ યોગ્ય લેવલિંગ કરાય તેમજ રોડની વચ્ચે પડેલા વેસ્ટના ઢગલા ઉપાડવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application