ભારતમાં ગરીબીના પ્રમાણમાં આગામી બે વર્ષ દરમિયાન વધુ ઘટાડો થવાની શકયતા વિશ્વ બેન્કે વ્યકત કરી છે. ઓકટોબર ૨૦૨૬ના અંદાજ પ્રમાણે વર્ષ ૨૦૨૮ સુધીમાં ભારતમાં નિર્ધારિત આંતરરાષ્ટ્ર્રીય ગરીબીરેખા નીચે જીવતી વસતીનું પ્રમાણ ઘટીને ૧૨.૧ ટકા થઈ શકે છે. વર્ષ ૨૦૨૬માં આ પ્રમાણ ૧૪.૨ ટકા હોવાનો અંદાજ છે. આમ બે વર્ષમાં ગરીબીના દરમાં ૨.૧ ટકા પોઇન્ટનો ઘટાડો થવાની ધારણા છે. વિશ્વ બેન્કના અંદાજ પ્રમાણે રોજના ૪.૨ ડોલરથી ઓછો ખર્ચ કરી શકતા લોકોને ધ્યાનમાં રાખીને આ ગરીબીનું માપન કરવામાં આવ્યું છે. આ મર્યાદા આશરે . ૩૭૦ જેટલી ગણવામાં આવી છે. આ આંતરરાષ્ટ્ર્રીય માપદંડના આધારે ભારતમાં ગરીબીમાં ઘટાડો નોંધાયો છે. વિશ્વ બેન્કના આંકડાઓ પ્રમાણે વર્ષ ૨૦૧૧માં ભારતની ૫૭.૭ ટકા વસતી નીચી આવક ધરાવતા દેશો માટે નિર્ધારિત ગરીબીરેખા નીચે જીવતી હતી. વર્ષ ૨૦૨૩ સુધીમાં આ પ્રમાણ ઘટીને ૧૬.૧ ટકા થયું હતું. આ સમયગાળા દરમિયાન અંદાજે ૪૯.૬ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા હોવાનું જણાવાયું છે. અતિગરીબીના આંકડા પણ મોટો ઘટાડો દર્શાવે છે. વર્ષ ૨૦૧૧માં ભારતની ૨૭.૧ ટકા વસતી અતિગરીબીમાં જીવતી હતી. વર્ષ ૨૦૨૩માં આ પ્રમાણ ઘટીને ૨.૬ ટકા થયું હતું. અતિગરીબીના આ અંદાજ માટે રોજના ૩ ડોલરની આંતરરાષ્ટ્ર્રીય ગરીબીરેખા ધ્યાનમાં લેવામાં આવી છે. જોકે ગરીબીના આંકડાઓનું બીજું પાસું પણ એટલું જ મહત્વનું છે. રોજના ૮.૩ ડોલરની મર્યાદાને ધ્યાનમાં લેવામાં આવે તો વર્ષ ૨૦૨૩માં ભારતની લગભગ ૮૦ ટકા વસતી આ મર્યાદા નીચે હતી. આ આંકડો દર્શાવે છે કે અતિગરીબીમાં ઘટાડો થયો હોવા છતાં દેશની વિશાળ વસતીની ખરીદશકિત મર્યાદિત રહી છે. ગરીબી માપવા માટે કઈ આવક અથવા ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવે છે તેના આધારે ગરીબીનું પ્રમાણ નોંધપાત્ર રીતે બદલાઈ શકે છે. રોજના ૩ ડોલરની મર્યાદાએ ગરીબ ન ગણાતી વ્યકિત ઐંચી મર્યાદાએ ગરીબ ગણાઈ શકે છે. તેથી અતિગરીબીમાં થયેલો ઘટાડો સમગ્ર વસતીની આર્થિક સુખાકારીનું સંપૂર્ણ ચિત્ર રજૂ કરતો નથી. વિશ્વ બેન્કે ગરીબીમાં થયેલા ઘટાડા પાછળ અનેક પરિબળો જવાબદાર હોવાનું જણાવ્યું છે. તેમાં લોકોની ખર્ચ કરવાની ક્ષમતામાં વધારો, રોજગારીની નવી તકો અને સરકારી યોજનાઓ મારફતે મળતી આર્થિક સહાયનો સમાવેશ થાય છે. અહેવાલમાં જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૧૭થી ૨૦૨૩ દરમિયાન ભારતમાં લગભગ ૧૩.૪ કરોડ લોકોને રોજગારી મળી હતી. આ સમયગાળા દરમિયાન ગ્રામીણ મહિલાઓની આર્થિક પ્રવૃત્તિમાં ભાગીદારી પણ વધી હતી. અગાઉ ઘરગથ્થુ કામ સુધી મર્યાદિત રહેલી અનેક મહિલાઓ આવક મેળવતી પ્રવૃત્તિઓમાં જોડાઈ હતી. પરિણામે પરિવારોમાં કમાતા સભ્યોની સંખ્યા અને ઘરના કુલ આવકોતો વધ્યા હતા