રાજકોટ કલેકટર કચેરીમાં ૧ કલાકથી વધુ સમયથી વીજ પુરવઠો ઠપ્પ
રાજકોટ કલેકટર કચેરીમાં ૧ કલાકથી વધુ સમયથી વીજ પુરવઠો ઠપ્પ
July 06, 2026 11:44 AM
શહેરની જીવા દોરી સમાન અને સરકારી કામકાજનું મુખ્ય કેન્દ્ર ગણાતી રાજકોટ કલેકટર કચેરીમાં આજે એક કલાકથી વધુ સમયથી વીજ પુરવઠો સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. જેને લઈને કર્મચારીઓના કોમ્પ્યુટર અને સર્વર વીજ વિક્ષેપથી બંધ થતા કામગીરી અસરગ્રસ્ત થઈ હતી.સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ, આજરોજ બપોરે આશરે ૧ વાગ્યાથી કલેકટર કચેરીમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. આ સમાચાર લખાઈ રહ્યા છે (બપોરે આશરે ૨:૩૦) ત્યાં સુધીમાં હજુ પણ વીજળી આવી ન હતી. અચાનક આવેલા આ વીજ વિક્ષેપના કારણે કચેરીના તમામ વિભાગોમાં અંધારપટ છવાઈ ગયો હતો. વહીવટી તંત્રના મુખ્ય મથકે જ લાઈટો ગુલ થઈ જતાં અધિકારીઓ અને કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. વીજળી ગુલ થવાના કારણે કલેકટર કચેરીમાં કાર્યરત તમામ કર્મચારીઓના કોમ્પ્યુટર સિસ્ટમ અને મુખ્ય સર્વર તાત્કાલિક ધોરણે બંધ થઈ ગયા છે. હાલના સમયમાં મોટાભાગની સરકારી કામગીરી ઓનલાઈન અને ડિજિટલ માધ્યમથી થતી હોવાથી, સર્વર ડાઉન થતાં જ આખી કચેરીનું કામકાજ થંભી ગયું છે. આજે અરજદારોને મળવાનો દિવસ હોવાથી અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા જ કચેરીમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા હતા. જે બાદ આજે વીજળીની સમસ્યા સર્જાઈ હતી.