નવા વર્ષની શરૂઆતમાં જ દક્ષિણ મેક્સિકોમાં 6.5 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો હતો ,જેના કારણે ગુરેરો રાજ્યમાં વ્યાપક નુકસાન થયું હતું. અચાનક જ મકાનો અને ઇમારતો હલવા લાગતા લોકો ભયના માર્યા બહાર દોડવા લાગ્યા હતા. અચાનક જ ધરતી ધ્રુજવા લગતા રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમની પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં વિક્ષેપ પડ્યો હતો. ગુરેરો રાજ્યમાં, ભૂકંપને કારણે એક 50 વર્ષીય મહિલાનું ઘર તૂટી પડતાં તેનું મોત થયું. રાજ્યના ગવર્નર એવલીન સાલ્ગાડોએ આ વાતની પુષ્ટિ કરી. દરમિયાન, મેક્સિકો સિટીમાં, એક 67 વર્ષીય પુરુષનું મકાન છોડતી વખતે સીડી પરથી પડી જવાથી મૃત્યુ થયું.
ભૂકંપનું કેન્દ્ર ગુરેરોના સાન માર્કોસ શહેર નજીક હતું. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, તે 35 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. ભૂકંપના કેન્દ્રથી લગભગ 280 કિલોમીટર દૂર હોવા છતાં, રાજધાની મેક્સિકો સિટીમાં જોરદાર ભૂકંપ અનુભવાયા હતા. શહેરના પ્રખ્યાત એન્જલ ઓફ ઇન્ડિપેન્ડન્સ સ્મારકની સોનાની પ્રતિમા હલતી જોવા મળી હતી.
સ્થાનિક સમય મુજબ સવારે 8 વાગ્યે ભૂકંપનું એલર્ટ વાગતાની સાથે જ હજારો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. ઘણા લોકોએ પાયજામા અથવા તો ટુવાલ જ પહેર્યા હતા અને પોતાના પાલતુ પ્રાણીઓને હાથમાં લઈને દોડી ગયા હતા.
ગુરેરોમાં ગેસ લીકેજ, અમુક હોસ્પિટલને નુકસાન થતા દર્દીઓને બહાર કાઢયા
ગુરેરોમાં ભૂસ્ખલનથી હાઇવે બંધ થઈ ગયા હતા, ગેસ લીકેજ થયું હતું અને ઘરો, જાહેર ઇમારતો અને હોસ્પિટલોને નુકસાન થયું હતું. એક હોસ્પિટલને માળખાકીય રીતે ભારે નુકસાન થયું હતું, અને દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા.
મેક્સિકો સિટીમાં, ઘરોમાં તિરાડો દેખાઈ, ઇમારતો હલતી ગઈ, અને ટ્રાફિક સિગ્નલ બંધ હતા, પરંતુ કોઈ મોટું નુકસાન થયું ન હતું. એરપોર્ટને નજીવું નુકસાન થયું, પરંતુ ફ્લાઇટ્સ સામાન્ય રહી.