BREAKING NEWS

ગુજરાતમાં વાઘણ લાવવા માટેની તૈયારી શરૂ, સરકારે NTCA પાસે રજુઆત કરી

  • February 21, 2026 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઠવાડિયા દ્વારા રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ (એનટીસીએ) સાથે કરવામાં આવેલા ઔપચારિક સંપર્ક અંગે વિધાનસભામાં આપવામાં આવેલી માહિતી બાદ રાજ્યમાં વાઘ સંરક્ષણ મુદ્દે નવી ચર્ચા શરૂ થઈ છે. રાજ્ય સરકારે માદા વાઘણ લાવવાની પરવાનગી મેળવવા માટે 24 નવેમ્બર, 2025ના રોજ સત્તામંડળને રજૂઆત કરી હોવાનું મંત્રીએ બજેટ સત્ર દરમિયાન જીજ્ઞેશ મેવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું. હાલ આ પ્રસ્તાવ સત્તામંડળની વિચારણા હેઠળ હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.


આ પહેલ તે સમયે સામે આવી છે જ્યારે મધ્ય ગુજરાતના રતનમહાલ વન્યજીવન અભયારણ્ય વિસ્તારમાં આશરે પાંચ વર્ષનો એક વાઘ હાજર હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ છે. આ પુષ્ટિ સાથે જ ગુજરાતને લગભગ ત્રણ દાયકા પછી ફરી એકવાર “ટાઇગર સ્ટેટ” તરીકે ઓળખ મળતાં વનવિભાગમાં ઉત્સાહનું માહોલ છે. નિષ્ણાતો માનીએ છે કે જો માદા વાઘણ લાવવામાં આવશે તો રાજ્યમાં વાઘોની સ્થિર વસ્તી વિકસાવવા માટે માર્ગ મોકળો થશે.


વન વિભાગના સૂત્રો મુજબ, હાલનો વાઘ છેલ્લા એક વર્ષથી પંચમહાલ જિલ્લાના જંગલ વિસ્તારમાં આંટાફેરા કરી રહ્યો છે. ફેબ્રુઆરી 2025ના મધ્યથી તે વારંવાર મધ્યપ્રદેશની સીમા નજીકના જંગલ વિસ્તારોમાં અવરજવર કરતો રહ્યો છે. ખાસ કરીને રતનમહાલ અને આસપાસના જંગલ પટ્ટામાં તેની હાજરી નોંધાઈ છે. વાઘની સુરક્ષા અને માનવ-વન્યજીવન સંઘર્ષ ટાળવા માટે વન અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. કેમેરા ટ્રેપ, ડ્રોન સર્વેલન્સ અને પેટ્રોલિંગ દ્વારા તેની હરકતો પર નજર રાખવામાં આવી રહી છે.


મંત્રીએ વિધાનસભામાં સમયરેખા અથવા મંજૂરીની પ્રક્રિયા અંગે માહિતી આપી નહોતી. જોકે, વન વિભાગ આશાવાદી છે કે એનટીસીએ તરફથી અનુકૂળ પ્રતિસાદ મળ્યા બાદ જરૂરી વ્યવસ્થાઓ ઝડપથી અમલમાં મૂકાશે. માદા વાઘણને રાજ્યમાં લાવવા માટે યોગ્ય નિવાસસ્થાન, શિકાર પ્રાણીની ઉપલબ્ધતા અને સુરક્ષિત કોર ઝોન સુનિશ્ચિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.


પર્યાવરણવિદોના મતે, વાઘોની હાજરી જંગલ પર્યાવરણના આરોગ્યનું સૂચક છે. ગુજરાતમાં ગીર પછી હવે રતનમહાલ વિસ્તાર પણ જૈવ વૈવિધ્ય માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બની શકે છે. જો પ્રસ્તાવ મંજૂર થશે તો રાજ્યમાં વાઘ સંરક્ષણના નવા અધ્યાયની શરૂઆત થશે અને પર્યટન તેમજ સ્થાનિક રોજગારીને પણ પ્રોત્સાહન મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application