BREAKING NEWS

રાજકોટમાં શરદ પૂનમે વરસાદ; ન્યારી-૧ ઓવરફ્લોની તૈયારી

  • October 06, 2025 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટમાં આ વર્ષે ચોમાસું પૂર્ણ થયું છતાં મેઘરાજા ખમૈયા કરતા નથી, આજે શરદ પૂર્ણિમાના દિવસે બપોરે શહેરના વિવિધ વિસ્તારોમાં ઝરમરથી લઇ હળવા ઝાપટા વરસ્યા હતા. દરમિયાન શહેરની ભાગોળે કાલાવડ રોડ ઉપર આવેલો ન્યારી-૧ ડેમ ઓવરફ્લો થવામાં ફક્ત એક ફૂટનું છેટું રહ્યું હોય ત્યારે એલર્ટ જાહેર કરાયું છે.

વિશેષમાં રાજકોટ મહાપાલિકાની ફાયર બ્રિગેડ બ્રાન્ચના કન્ટ્રોલરૂમના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં આજે બપોરે છૂટા છવાયા ઝાપટા વરસ્યા હતા, આ સાથે શહેરનો મોસમનો કુલ વરસાદ વેસ્ટ ઝોનમાં ૩૬ ઇંચ, સેન્ટ્રલ ઝોનમાં ૩૫ ઇંચ અને ઇસ્ટ ઝોનમાં ૨૭ ઇંચ નોંધાયો છે. હજુ પણ વરસાદની આગાહી હોય તંત્ર એલર્ટ છે.



ન્યારી ડેમ ૯૦ ટકા ભરાતા હેઠવાસના ગામો માટે એલર્ટ

રાજકોટ મહાનગરપાલિકા હસ્તકનો કુલ ૨૫.૧૦ ફૂટની ઉંડાઇનો ન્યારી ડેમ ૨૪.૧૦ ફૂટ સુધી ભરાયો છે અને ઓવરફ્લો થવામાં હવે ફ્ક્ત એક ફૂટનું છેટું રહ્યું છે. ન્યારી-૧ ડેમ ૯૦ ટકા ભરાતા રાજકોટના ખાધરી, ઈશ્વરીયા, લોધિકા તાલુકાના હરિપર પાળ, વડવાજડી, ખંભાળા, ન્યારા, પડધરી, રામપર, રંગપુર, તરઘડી, ગઢીવાળી વેજડી, વેજાગામ,વેજાગામ (વાજડી), વાજડી (વીરડાવાળી) ગામોના લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા એલર્ટ અપાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application