મધ્યસત્ર ચૂંટણી પછી ઈરાન પર હુમલાની તૈયારી ઈરાન પર ફરીથી ત્રાટકશે અમેરિકા-ઇઝરાયલ?
મધ્યસત્ર ચૂંટણી પછી ઈરાન પર હુમલાની તૈયારી ઈરાન પર ફરીથી ત્રાટકશે અમેરિકા-ઇઝરાયલ?
October 22, 2026 10:39 AM
મધ્યપૂર્વમાં ફરી એક વખત વિનાશક યુદ્ધ ફાટી નીકળવાનો ભય ઊભો થયો છે. અમેરિકા અને ઇઝરાયલ ઈરાન સામે નવેસરથી સૈન્ય કાર્યવાહી કરવાની તૈયારીમાં હોવાના અહેવાલ બહાર આવ્યા છે. અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણી પૂર્ણ થયા બાદ ઈરાન પર મોટો પરંતુ ટૂંકા સમયનો હુમલો કરવામાં આવી શકે છે. આ કાર્યવાહીનો હેતુ ઈરાનની લશ્કરી ક્ષમતાને નુકસાન પહોંચાડવાની સાથે તેની અર્થવ્યવસ્થા પર એવો ફટકો મારવાનો છે કે તેહરાનને પરમાણુ કાર્યક્રમ અંગે સમજૂતી કરવા મજબૂર થવું પડે.ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલને ટાંકીને જણાવાયું છે કે અમેરિકા અને ઇઝરાયલના લશ્કરી આયોજનમાં ઈરાનના પરમાણુ મથકો, મિસાઇલ તથા ડ્રોન ભંડારો, ઊર્જા ઉત્પાદન કેન્દ્રો અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના કમાન્ડ કેન્દ્રોને સંભવિત નિશાન બનાવવામાં આવ્યા છે. જોકે આ અંગે વિચારણા ચાલી રહી હોવા છતાં કોઈ ચોક્કસ હુમલાની યોજનાને અંતિમ મંજૂરી આપવામાં આવી નથી.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સંભવિત સૈન્ય કાર્યવાહી ત્રણ દિવસ સુધી ચાલે તેવી કલ્પના કરવામાં આવી છે. ટૂંકા સમયમાં તીવ્ર હવાઈ હુમલા કરીને ઈરાનની લશ્કરી અને આર્થિક શક્તિને મોટું નુકસાન પહોંચાડવાનો વિકલ્પ વિચારાઈ રહ્યો છે. ઇઝરાયલ માને છે કે મર્યાદિત પરંતુ શક્તિશાળી હુમલા દ્વારા ઈરાનને લાંબા યુદ્ધમાં ઊતર્યા વગર પણ દબાણ હેઠળ લાવી શકાય છે.બીજી તરફ, આવી કાર્યવાહીનું પરિણામ આયોજન મુજબ જ આવશે તેની કોઈ ખાતરી નથી. ઈરાન પાસે મિસાઇલ અને ડ્રોન દ્વારા જવાબી હુમલા કરવાની ક્ષમતા છે. અમેરિકાના લશ્કરી મથકો તથા તેના પ્રાદેશિક સાથી દેશો પણ વળતા હુમલાના જોખમ હેઠળ આવી શકે છે. ખાસ કરીને તેલ ઉત્પાદન અને પરિવહનના કેન્દ્રો પર હુમલા થાય તો તેની અસર માત્ર મધ્યપૂર્વ પૂરતી મર્યાદિત નહીં રહે.ઈરાન સામે કાર્યવાહીમાં અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીનો સમયગાળો મહત્વનો ગણાય છે. ચૂંટણી પહેલાં યુદ્ધ શરૂ કરવાથી તેની સ્થાનિક રાજકીય અસર પડી શકે છે. અમેરિકામાં પહેલેથી જ વિદેશી યુદ્ધોમાં સંડોવણી અને તેના આર્થિક ખર્ચ અંગે મતભેદો પ્રવર્તે છે.આ પરિસ્થિતિમાં ઈરાનનો પરમાણુ કાર્યક્રમ ફરી એક વખત આંતરરાષ્ટ્રીય સંઘર્ષનું કેન્દ્ર બની રહ્યો છે. અમેરિકાની ચૂંટણી પછી લશ્કરી કાર્યવાહી ખરેખર શરૂ થાય છે કે રાજદ્વારી દબાણ વધારવા માટે આ યોજનાઓનો ઉપયોગ કરવામાં આવે છે, તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.