રાજકોટ મહાપાલિકા દ્વારા પ્રદ્યુમ્ન પાર્ક નજીક નિર્માણ કરવામાં આવી રહેલા એશિયાટિક લાયન સફારી પાર્કનું કામ પૂર્ણ થવામાં હોય સંભવત: મહાપાલિકાની ચૂંટણી પૂર્વે ઉનાળુ વેકેશનથી જ ખુલો મૂકી દેવામાં આવે તેવી ગણતરી હોય મ્યુનિ.કમિશનરે પ્રવેશ ફી નિયત કરવા સ્ટેન્ડિંગ કમિટીને દરખાસ્ત મોકલી છે.
મ્યુનિ.કમિશનરે પ્રવેશ ફી નિયત કરવાની દરખાસ્તમાં જણાવ્યું છે કે, રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે રાજકોટ શહેર તથા આસપાસના જીલ્લાઓનાં મુલાકાતીઓ ઝૂ ખાતે પધારે છે. જેઓને પ્રાણીસંગ્રહાલય ઉપરાંત નવા નજરાણા સ્વરૂપે લાયન સફારી પાર્ક જેવું ઉત્તમ આકર્ષક ફરવાનું સ્થળ મળી રહે અને સિંહ સંરક્ષણ-સંવર્ધનનાં પ્રયત્નોમાં વધારો થાય તેમજ ઇકો ટુરીઝમ ક્ષેત્રે વધારો થાય તે માટે રાજકોટ પ્રાણીઉદ્યાનનાં વિસ્તૃતિકરણ તરીકે લાયન સફારી પાર્ક બનાવવા ઝૂની પૂર્વ દિશાએ સર્વે નં.૧૪૪, ૧૪૫ અને ૧૫૦ મળી કુલ અંદાજે ૩૦ હેક્ટર જમીનમાં લાયન સફારી પાર્ક બનાવવાનું કામ ખુબજ ગતિમાં ચાલી રહ્યુ છે. લાયન સફારી પાર્કની તમામ કામગીરી પૂર્ણ કર્યા બાદ મુલાકાતીઓ પાસેથી નિયત દર વસુલી પ્રવેશ આપવામાં આવશે. હાલ વન વિભાગ, ગુજરાત રાજ્ય હસ્તકનાં ગીર પરિચય ખંડ (દેવળિયા સફારી પાર્ક) - સાસણ ગીર તથા આંબરડી સફારી પાર્ક, ગીર પૂર્વ વન વિભાગ, ધારી ખાતે લાયન સફારી પાર્કમાં નોન એ.સી. બસમાં મુલાકાતીઓ માટે પ્રવેશદરનો અભ્યાસ કર્યા બાદ રાજકોટ લાયન સફારી પાર્ક માટેના દર સૂચવવામાં આવ્યા છે.
લાયન સફારી પાર્ક પ્રતિ વ્યક્તિ એન્ટ્રી ફી
ત્રણ વર્ષ સુધીના બાળકો માટે નિઃશુલ્ક
ત્રણ વર્ષથી વધુ ઉંમરના માટે રૂ.૧૦૦
વિદેશી વ્યક્તિ માટે રૂ.૬૦૦
દિવ્યાંગ વ્યક્તિ માટે નિઃશુલ્ક
વિધાર્થી જૂથ માટે પ્રતિ વ્યક્તિ રૂ.૫૦
લાયન સફારી અને ઝૂ કોમ્બો રૂ.૧૩૦
લાયન સફારી અને ઝૂ કોમ્બો વિદેશી નાગરિક રૂ.૮૦૦