BREAKING NEWS

જામનગર : ભાજપના જીદ્દી નગરસેવકને દબાણ હટાવવા નોટીસ આપવાની તૈયારી

  • December 16, 2025 05:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગરમાં તમે નગરસેવક હોવ કે કોઇ રાજકીય અગ્રણી ત્યારે તમને મન ફાવે તે રીતે દબાણ કરવાનો જાણે કે હકક મળી ગયો તેવી રીતે કેટલાક રાજકીય મોટા માથાઓ આવી કામગીરી કરતા હોય છે, ભાજપમાં જુદા-જુદા હોદા ભોગવી ચુકેલા અને જીદ્દી ગણાતા નગરસેવકે ફાર્મહાઉસ બનાવીને બાજુની સરકારી જમીન ઉપર કબ્જો જમાવી લેતાં જાડાના અધિકારીઓ આકરા પાણીએ થયા છે, કનસુમરા નહીં પણ મોરકંડાના નવા સર્વે નં.૨૪૪ અને જુના સર્વે નં.૮૮/પી-૩માં આ નગરસેવકે દબાણ કરીને વૃક્ષારોપણ કરી દીધું હોવાની ચોંકાવનારી વાત બહાર આવી છે ત્યારે કોર્પોરેશનમાં અને ભાજપમાં આ પ્રકરણે ભારે ચકચાર જગાવી છે, એકાદ-બે દિવસમાં જ આ નગરસેવકને જાડાની નોટીસ મળી જશે તેવો તખ્તો ગોઠવાઇ ગયો છે અને જો અઠવાડીયામાં તેઓ દબાણ દુર નહીં કરે તો આ દબાણ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવશે, રાજકીય શરણુ શોધવા માટે તેઓ ચાર-પાંચ દિવસથી ધમપછાડા કરી રહ્યા છે, પરંતુ જાડાના આ મામલે અધિકારીઓ પણ કાર્યવાહી કરીને જ રહેશે તેવું જાણવા મળે છે. 


ભાજપના સીનીયર નગરસેવક કેવી લાલીયાવાડી કરે છે તેનો કિસ્સો બહાર આવ્યો છે, અગાઉ પણ તે અનેક પ્રકરણમાં સંડોવાયેલા હોવાનું લોકો કહી રહ્યા છે, મળતી માહિતી મુજબ મોરકંડાના સર્વે નં.૨૪૦ પાસે તેઓ ફાર્મહાઉસ બનાવી રહ્યા છે, આ જમીન જાડા હસ્તકની સરકારી છે, આ મહાશયે સરકારી જમીન ઉપર વૃક્ષોનું વાવેતર કરી દીધું છે જેથી રાજકીય ઓથને કારણે તેઓેને કંઇ તકલીફ ન થાય. આ જમીન પાસેથી ૬૦ મીટરનો રોડ નિકળે છે ત્યારે આ મહત્વની જમીન દબાવી લીધી હોવાથી હવે તેને એકાદ-બે દિવસમાં જ નોટીસ પાઠવવામાં આવશે તેવો તખ્તો ગોઠવાઇ ગયો છે. 


પોતાને નોટીસ ન મળે તે માટે કેટલાક રાજકીય અગ્રણીઓનો તેઓ સતત સંપર્ક સાધી રહ્યા છે અને એમને એવો વહેમ પણ છે કે, મેં ભલે ગમે તેટલું દબાણ કર્યુ પરંતુ મારી સામે કોઇપણ જાતની કાર્યવાહી નહીં થાય. થોડા દિવસ પહેલા જાડાના એક અધિકારીએ તેમને બોલાવીને વાતચીત કરી હતી કે, તમે સરકારી જમીન ઉપર જે દબાણ કર્યુ છે તે તમારી રીતે દુર કરી નાખો, પરંતુ આ મહાશયને જાણે કે કોઇપણ જાતનો વહેમ હોય કે હું રાજકારણમાં ઘણા સમયથી છું અને ભાજપમાં પણ અનેક હોદા ભોગવી ચૂકયો છે તેથી મને કાંઇ નહીં થાય.


એવી ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે, આ સમગ્ર જમીન પ્રકરણમાં ભારે ચર્ચાઓ શરૂ થઇ છે, સંગઠન પાંખ પણ આ મુદે ગંભીર હોવાનું દેખાઇ રહ્યું છે, જાડાના અધિકારી એકાદ-બે દિવસમાં આ સિનીયર નગરસેવકને નોટીસ પાઠવી દેશે તેમ પણ લોકો કહી રહ્યા છે અને નોટીસ પાઠવીને આઠેક દિવસમાં દબાણ દુર નહીં કરે તો ભાજપના આ નગરસેવકના ફાર્મહાઉસ પાસે જાડા બુલડોઝર ફેરવી દેશે. એક તરફ રસ્તાઓ પહોળા કરવાની વાત છે ત્યારે ખુદ ભાજપના જ અગ્રણીઓ અને નગરસેવકો પોતાની જમીન પાસેની સરકારી જમીન દબાવી લે છે તે કેટલું યોગ્ય ગણાય ? તેવો પ્રશ્ર્ન પણ ચર્ચાઇ રહ્યો છે. શાસકપક્ષના આ નગરસેવકને એવો વટ પણ છે કે, આ મામલામાં કંઇ થવાનું નથી, પરંતુ જાડાના સુત્રોના જણાવ્યા અનુસાર કોઇપણ વ્યકિત ગમે તે પક્ષના હોય દબાણ કરે અને રસ્તાની જમીન દબાવી રાખે તે કોઇપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં.


તા.૧૦ના રોજ આજકાલમાં આ પ્રકારની વિગત આવી હતી ત્યારબાદ તેના ઘેરા પડઘા પણ પડયા છે, એક તરફ જાડાના અધિકારીઓ આ ભાજપના નગરસેવકનું દબાણ તોડી નાખવા માંગે છે, બીજી તરફ રાજકીય આકાઓ આ મામલે કંઇ ન થાય તે પ્રકારની ગોઠવણ કરી રહ્યા છે, ત્યારે જામનગરમાં આ પ્રકરણે ભારે ચહલપહલ મચાવી છે. ટુંક સમયમાં જ નવા કડાકા-ભડાકા થાય તેવી પણ શકયતા હોવાનું જાણવા મળે છે. ​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application