BREAKING NEWS

મહીકામાં સરકારી જમીન પર દબાણોનો ખડકલો, ગમે ત્યારે તંત્ર ત્રાટકશે!

  • September 01, 2026 02:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ નજીકના મહીકા વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા મોટાપાયેના દબાણોને લઈને વહીવટી તંત્રની કાર્યવાહી ગમે ત્યારે શરૂ થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. મહીકા ગામના સર્વે નંબર ૨૮૧માં આવેલી સરકારી જમીન, જેની અંદાજિત બજાર કિંમત રૂ.૩૦ કરોડ જેટલી હોવાનું જાણવા મળે છે, તેના પર છેલ્લા સમયગાળામાં આશરે ૧૫૦ જેટલા કાચા-પાકા મકાનો ઊભા કરી દેવાયા હોવાનું સામે આવ્યું છે..મહિકામાં સરકારી માલિકીની કિંમતી જમીન પર એક બાદ એક બાંધકામો ખડકી દેવાયા છે. તેમજ ઝૂંપડાંના સ્વરૂપે શરૂ થયેલા દબાણો સમય જતાં પાકા બાંધકામમાં ફેરવાયા હોવાનું જાણવા મળે છે. પરિણામે મહીકાની કરોડોની સરકારી જમીનનો મોટો હિસ્સો દબાણ હેઠળ આવી ગયો છે. આ મામલે વહીવટી તંત્ર દ્વારા જમીનની હકીકત, દબાણનો વ્યાપ અને બાંધકામોની સ્થિતિ અંગે ચકાસણી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. હવે જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દબાણો દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરાય તેવી શક્યતા છે. તંત્ર દ્વારા જો દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે તો એકસાથે મોટી સંખ્યામાં બાંધકામો દૂર કરવાની નોબત આવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૭થી ૨૦૧૦ના સમયગાળા દરમિયાન સુચિત સોસાયટીના નામે ૪ એકર જમીનમાં આશરે ૩૦૦ મકાનોના શિવમ પાર્ક રેસિડેન્સી નામના પ્લોટ બનાવવામાં આવ્યા હતા. ગરીબ પરિવારોને રૂ.૮થી ૧૦ લાખમાં સસ્તા ભાવે મકાનો વેચાયાના આક્ષેપો પણ થયા છે. સમગ્ર મામલે જમીનની હકીકત તપાસવામાં આવતા સરકારી જમીન પર દબાણ થયાનું બહાર આવ્યું હતું. દરમિયાન, સુચિત સોસાયટીને કાયદેસર કરવાની માંગ પણ ઉઠી છે. સરકારી જમીનમાં ગેરકાયદેસર વસાહત ઊભી થયા બાદ સરકારી યોજના હેઠળ સોસાયટી કાયદેસર કરવાની માંગ કરવામાં આવી છે. બીજી તરફ, જમીનના વેચાણ વ્યવહારમાં સંડોવણીના આક્ષેપો પણ સામે આવ્યા છે અને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application