મોંઘવારી વધી હોવા છતાં આ વર્ષે ગુજરાતમાં વિજયાદશમી નિમિત્તે રાવણના પૂતળાંની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. નવરાત્રિના સમાપન બાદ આજે રાજ્યભરમાં રાવણ દહનની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાં તૈયાર કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાંથી આવેલા ૩૫ થી ૪૦ જેટલા કારીગરોએ આ વર્ષે ગુજરાતમાં આશરે ૮૪ જેટલા પૂતળાં બનાવ્યા છે, જ્યારે ગયા વર્ષે આ સંખ્યા ૭૪ હતી. અમદાવાદના કારીગરોએ પણ જુદી જુદી ૮ જગ્યાઓ માટે પૂતળાં તૈયાર કર્યા છે.રાવણના પૂતળાં બનાવતા કારીગર શરીફ ખાનના જણાવ્યા અનુસાર, આ વર્ષે રાવણના મુખ્ય પૂતળાંની ઊંચાઈ ૫૦ થી ૬૦ ફીટ સુધીની રાખવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, જામનગર, વડોદરા, ભાવનગર, કચ્છ, ખેડા, વાપી અને છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં આ પૂતળાં મોકલવામાં આવ્યા છે. કારીગરોનું કહેવું છે કે વાંસ, કાગળ, કાપડ, રંગો, દારૂગોળો અને મજૂરીના દરમાં વધારો થવાને કારણે પૂતળાંની કિંમતોમાં ૨૦ થી ૨૫ ટકા સુધીનો વધારો થયો છે.મોટા જાહેર આયોજનો ઉપરાંત હવે વિવિધ સોસાયટીઓ અને ફ્લેટ્સમાં પણ રાવણ દહનનો ટ્રેન્ડ વધી રહ્યો છે. કારીગર શરીફ ખાને જણાવ્યું કે ૧૫, ૨૦ અને ૨૫ ફીટ ઊંચા નાના પૂતળાંની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. ગયા વર્ષે તેમણે નાના કદના ૧૨ પૂતળાં બનાવ્યા હતા, જેની સામે આ વર્ષે આ સંખ્યા વધીને ૨૦ સુધી પહોંચી ગઈ છે. લોકો હવે પોતાના રહેણાંક વિસ્તારોમાં પણ નાના પાયે દશેરા ઉત્સવની ઉજવણી ઉત્સાહભેર કરી રહ્યા છે.અમદાવાદ શહેરમાં કુલ સાતથી આઠ સ્થળોએ 'દશાનન'ના મોટા પૂતળાંનું દહન કરવામાં આવશે. જેમાં સૌથી ઊંચું આશરે ૫૫ ફીટનું રાવણનું પૂતળું સાબરમતી ખાતે તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નાગરવેલ હનુમાન મંદિર પાસે, ખોખરા રેલવે કોલોની, કર્ણાવતી ક્લબ, ઇસ્કોન મંદિર પાસે તેમજ ભાડજ સ્થિત હરે કૃષ્ણા મંદિર ખાતે પણ ૪૦ થી ૫૦ ફીટ ઊંચા પૂતળાંનું દહન કરવામાં આવશે. દહન પહેલાં કેટલીક જગ્યાઓએ રામલીલાનું મંચન પણ યોજાશે.અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં દૂરદર્શન ટાવર પાછળ આવેલા મેદાનમાં વિજયાદશમીની મુખ્ય ઉજવણી થશે. અહીં ૫૧ ફીટ ઊંચા રાવણ તેમજ ૩૫-૩૫ ફીટ ઊંચા કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાં તૈયાર કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મેયર હિતેશ બારોટ વિશેષ ઉપસ્થિત રહેશે. આ આયોજન શહેર ભાજપ અને શાંતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યાં પૂતળા દહન સાથે આતશબાજી પણ યોજાશે.