BREAKING NEWS

દિવાળી ટાણે ખાદ્યતેલોના ભાવમાં ભડકો: રાજકોટમાં સિંગતેલનો ડબ્બો રૂ.3000ને પાર

  • October 14, 2026 04:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં આગામી દિવાળીના તહેવારો પહેલા જ સામાન્ય જનતાના રસોડાનું બજેટ ગરમાયું છે, કારણ કે ખાદ્યતેલોના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સિંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ રૂ. 3 હજારની સપાટી વટાવી ચૂક્યો છે. હાલ બજારમાં સિંગતેલના ભાવ રૂ. 3,000 થી લઈને રૂ. 3,080 સુધી જોવા મળી રહ્યા છે. દિવાળી જેવા મોટા તહેવાર અગાઉ જ તેલના ભાવ ઊંચકાતા ઘરગથ્થુ ગ્રાહકોની ચિંતા વધી ગઈ છે.   


માત્ર સિંગતેલ જ નહીં પરંતુ અન્ય ખાદ્યતેલો પણ મોંઘા થયા છે. બજારમાં કપાસિયા તેલના ભાવ રૂ. 2,620 થી રૂ. 2,680 સુધી જોવા મળી રહ્યા છે, જ્યારે પામતેલના ભાવ રૂ. 2,315 થી રૂ. 2,320 ની આસપાસ બોલાઈ રહ્યા છે. છેલ્લા એક જ અઠવાડિયાની વાત કરીએ તો સિંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બે રૂ. 70 થી રૂ. 110 સુધીનો, કપાસિયા તેલના ડબ્બે રૂ. 30 થી રૂ. 40 નો અને પામતેલમાં પણ રૂ. 15 થી રૂ. 20 નો વધારો નોંધાયો છે.   


ખાદ્યતેલોના વેપારી કિરીટ શાહના જણાવ્યા અનુસાર, બજારમાં કાચા માલની પૂરતી મળતર નથી. યાર્ડમાં મગફળી અને કપાસની આવકો તો થાય છે પરંતુ હજુ તે ક્રશિંગ માટે લાયક પૂરતા પ્રમાણમાં આવતી નથી. કાચા માલની અછત અને અપૂરતી આવકને કારણે જ સ્વાભાવિકપણે તેલના ભાવોમાં સતત ઉછાળો આવી રહ્યો છે.   


આગામી દિવસોની સ્થિતિ અંગે વેપારીઓએ જણાવ્યું છે કે સામાન્ય રીતે દશેરા પછી જ મિલરોની કામગીરી પૂર્ણ સ્તરે ચાલુ થતી હોય છે. દશેરા બાદ મિલો ધમધમતી થાય અને ક્રશિંગનું પ્રમાણ વધે ત્યાર પછી જ તેલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના રહે છે. પરંતુ દશેરા અને દિવાળી સુધી હાલ તો તેલના ભાવોમાં રાહત મળવાની કોઈ જ શક્યતાઓ દેખાતી નથી.   



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application