સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આગામી 30 અને 31 ઓક્ટોબર, 2026ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા આ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમને સફળ બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ પૂર્વતૈયારીઓની સમીક્ષા માટે કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને એકતાનગરની મુલાકાત લઈને વિવિધ સ્થળોએ ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.કેન્દ્રીય ગૃહ સચિવે એકતાનગર હેલિપેડ ખાતે આગમન બાદ કાર્યક્રમ સાથે સંકળાયેલાં વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે એલ ડબલ્યુ ઈ પોડ્સ, ટેબ્લો ડોમ, એકતા પથ, સલામી મંચ, ભારત પર્વના આયોજન સ્થળ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે તૈયાર કરવામાં આવી રહેલી વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં દેશભરમાંથી મહાનુભાવો, અધિકારીઓ અને અન્ય આમંત્રિતોની ઉપસ્થિતિને ધ્યાનમાં રાખીને વ્યવસ્થાઓ સુચારુ રહે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.આ વર્ષની ઉજવણીના ભાગરૂપે 30 ઓક્ટોબરના રોજ ડેમ વ્યુ પૉઇન્ટ-1 ખાતે નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા દ્વારા ‘આનંદમઠ’નું પ્રસ્તુતિકરણ કરવામાં આવશે. આ સાંસ્કૃતિક કાર્યક્રમ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનું વિશેષ આકર્ષણ બનશે. કાર્યક્રમના આયોજનમાં સાંસ્કૃતિક રજૂઆતો ઉપરાંત વિવિધ પ્રદર્શન, ટેબ્લો અને અન્ય પ્રવૃત્તિઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે.આ મુલાકાત દરમિયાન વી.વી.આઈ.પી. સર્કિટ હાઉસ ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે તૈયારીઓની પ્રગતિની ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમના દરેક તબક્કે વિભાગો વચ્ચે સંકલન જળવાઈ રહે, સોંપવામાં આવેલી જવાબદારીઓ સમયસર પૂર્ણ થાય અને આયોજનમાં કોઈ કચાશ ન રહે તે માટે કેન્દ્રીય ગૃહ સચિવે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સુરક્ષા, મહેમાનોના આગમન અને કાર્યક્રમ સ્થળોની વ્યવસ્થાઓ સહિતની તૈયારીઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આગામી દિવસોમાં બાકી રહેલી કામગીરી પૂર્ણ કરીને એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને સુવ્યવસ્થિત રીતે સંપન્ન કરવા માટે તંત્ર દ્વારા સંકલિત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application