BREAKING NEWS

ભારત પર મોટું સંકટ..કતરના ગેસ પ્લાન્ટમાં મિસાઇલ હુમલા બાદ ઉત્પાદન ઠપ્પ

  • March 19, 2026 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચેનું યુદ્ધ હવે એક અત્યંત ખતરનાક વળાંક પર પહોંચી ગયું છે. અત્યાર સુધી માત્ર સૈન્ય ઠેકાણાઓ પર થતા હુમલા હવે ઊર્જા ક્ષેત્રના ઈન્ફ્રાસ્ટ્રક્ચરપર થવા લાગ્યા છે. ઈરાને પોતાના સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ પર થયેલા ઈઝરાયલી હુમલાનો બદલો લેવા માટે કતરના અત્યંત મહત્ત્વના 'રાસ લફાન ઈન્ડસ્ટ્રીયલ સિટી' પર હુમલો કર્યો છે.


આ હુમલાને કારણે કતરના લિક્વિફાઇડ નેચરલ ગેસ(એલએનજી) પ્લાન્ટમાં ભીષણ આગ લાગી છે અને કતર એનર્જીએ તેનું ઉત્પાદન હાલ પૂરતું રોકી દેવાની ફરજ પડી છે. ઈરાને માત્ર કતાર જ નહીં, પરંતુ સાઉદી અરેબિયા અને યુએઈને પણ ચેતવણી આપી છે કે જો તેઓ અમેરિકા-ઈઝરાયલને સાથ આપશે તો તેમના તેલ અને ગેસના ભંડારો પર પણ આવા જ હુમલા કરવામાં આવશે.


આ યુદ્ધ ભલે ભારતથી હજારો કિલોમીટર દૂર હોય, પરંતુ તેની સીધી અસર ભારતીય રસોડા અને અર્થતંત્ર પર પડવાની પૂરેપૂરી શક્યતા છે. ભારત પોતાની જરૂરિયાતનો લગભગ 47% જેટલો ગેસ એકલા કતાર પાસેથી આયાત કરે છે. આંકડાકીય રીતે જોઈએ તો ભારત દર વર્ષે અંદાજે 27 મિલિયન ટન LNG આયાત કરે છે, જેમાંથી 12થી 13 મિલિયન ટન માત્ર કતારથી આવે છે. કતારના ગેસ હબ પર થયેલા આ હુમલાને કારણે વૈશ્વિક બજારમાં ગેસની કિંમતોમાં મોટો ઉછાળો આવી શકે છે. જો કતારથી આવતો ગેસ મોંઘો થશે અથવા તેનો સપ્લાય ખોરવાશે, તો ભારતમાં ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ મોટો વધારો આવી શકે છે.


ભારત માટે બીજી મોટી મુશ્કેલી 'હોર્મુઝ સ્ટ્રેટ'માં વધતો તણાવ છે. આ દરિયાઈ માર્ગ બંધ થવાને કારણે ભારતના અનેક ગેસ ટેન્કરો અત્યારે સમુદ્રમાં ફસાયેલા છે. ભારત સરકાર સતત ઈરાન સાથે વાતચીત કરીને પોતાના જહાજો સુરક્ષિત રીતે પાછા લાવવા પ્રયાસ કરી રહી છે. હાલમાં દેશમાં ગેસની કોઈ અછત નથી તેવી ખાતરી સરકાર આપી રહી છે, પરંતુ જો ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો આ સંઘર્ષ લાંબો ચાલ્યો અને કતાર જેવી એનર્જી ફેસિલિટીઝ લાંબો સમય ઠપ રહી, તો ભારતને અન્ય દેશો પાસેથી મોંઘા ભાવે ગેસ ખરીદવાની નોબત આવશે. પશ્ચિમ એશિયાની આ અશાંતિ હવે સીધી રીતે વૈશ્વિક ઊર્જા સુરક્ષા માટે મોટો પડકાર બની ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application