BREAKING NEWS

વ્યાજખોરોના ચુંગાલમાંથી છોડાવેલી કરોડોની મિલકતો હર્ષ સંઘવીના હસ્તે પરત સોંપાઇ

  • January 07, 2026 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરીના દૂષણને નાબૂદ કરવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત ભાયાવદરમાં એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ વ્યાજ વટાવના ગુનાઓમાં જપ્ત કરાયેલા મુદ્દામાલ અને પચાવી પાડેલી મિલકતો મૂળ માલિકોને પરત આપવામાં આવી હતી.




ભાયાવદરના ૬૦ વર્ષીય વૃદ્ધ ઉદયભાઈએ વ્યાજખોર વિશ્વરાજસિંહ ચુડાસમાના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરવા જઈ રહ્યા હોવાનો એક કરુણ મેસેજ વોટ્સએપ પર મોકલ્યો હતો. આ મેસેજમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે આરોપીએ તેમની પૂર્વજોની ૧૮ વીઘા જમીન પર ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો અને રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.


રાજકોટ રૂરલ પોલીસ તંત્રએ આ મેસેજને ગંભીરતાથી લઈ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને ઉદયભાઈને સુરત ખાતેથી શોધી કાઢી, તેમને સમજાવી આત્મહત્યા કરતા રોક્યા હતા. ત્યારબાદ આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરી તેમની રૂ.૫ કરોડની બજાર કિંમત ધરાવતી ૧૮ વીઘા જમીન પરત અપાવી ન્યાય અપાવ્યો હતો.


કાર્યક્રમ દરમિયાન અન્ય બે મહત્વના કિસ્સાઓમાં પણ મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો. જેમાં રોનકભાઈની પડાવી લેવામાં આવેલી આશરે રૂ. ૮ લાખની કિંમતની મર્સિડિઝ કાર અને એક્ટિવા પોલીસ દ્વારા પરત અપાવવામાં આવ્યા હતા. તે ઉપરાંત અજયભાઈનું વ્યાજખોરો દ્વારા પચાવી પાડવામાં આવેલ મકાન પણ કાયદેસરની કાર્યવાહી બાદ તેમને પરત સોંપવામાં આવ્યું હતું.


આ પ્રસંગે હર્ષ સંઘવીએ પોલીસની કામગીરીને બિરદાવી જણાવ્યું હતું કે, કોઈ પણ સામાન્ય નાગરિકને વ્યાજખોરો હેરાન કરશે તે બિલકુલ ચલાવી નહીં લેવાય, સરકાર અને પોલીસ નિર્દોષ નાગરિકની પડખે ઉભી છે.


કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘણી, ધારાસભ્ય ઉદયભાઇ કાનગઢ, ભાનુબેન બાબરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર, ધોરાજી એએસપી સિમરન ભારદ્વાજ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application