રાજકોટ મહાપાલિકાના નાના મવા ટીપી સ્કિમ નં.૩ હેઠળના કોમર્શિયલ હેતુના ૪૬૬૯ ચોરસ મીટર ક્ષેત્રફળ હેતુના અનામત પ્લોટ નં.૨૦૪નું તાજેતરમાં ઇ ઓક્શનથી વેંચાણ કરવામાં આવ્યું હતું. પ્રતિ ચો.મી.દીઠ રૂ.બે લાખની અપસેટ સામે પ્રાઈડ કન્સ્ટ્રકશનએ પ્રતિ ચો.મી. દીઠ રૂ.૨,૨૭,૬૦૦ની સૌથી ઉંચી ઓફર રજૂ કરી આ પ્લોટ ખરીદ્યો હતો. દરમિયાન હવે વેંચાણ મંજૂર કરી ૯૯ વર્ષનું લિઝ ડીડ કરી આપવા માટે જરૂરી ઠરાવ કરવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરી છે, જે અંગે કમિટી કાલે નિર્ણય કરશે.
કુલ પાંચ બિડર પૈકી ચાર બિડરે ઇ ઓક્શનમાં ભાગ લીધો હતો, જ્યારે એક બિડર કે.એમ. ઇમ્પેક્સ (મધુકાંત શાહ) દ્વારા ઇએમડીની રકમ જમા કરાવાઈ ન હોય તેઓ ક્વોલિફાઇ થયા ન હતા. પ્રાઈડ કન્સ્ટ્રકશનએ સૌથી ઉંચી ઓફર રજૂ કરી જમીન ખરીદી હતી. જ્યારે અન્ય ત્રણ બિડરને તેમની ઇએમડીની રકમ પરત આપવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
મ્યુનિ.કમિશનરે સ્ટેન્ડિંગ કમિટીમાં કરેલી દરખાસ્તમાં છ શરતો રજૂ કરાઇ છે જેમાં
(૧) સામેલ લીઝ કરારખત મુજબ કરાર કરવાનો રહેશે. (૨) લીઝ કરારખત અંગેનો દસ્તાવેજી ખર્ચ ભાડાપટ્ટે રાખનારે ભોગવવાનો રહે છે. (૩) જમીનનો વિકાસ કરતા પહેલા ધોરણસરના બિલ્ડીંગ પ્લાન મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મંજુર કરાવવાના રહેશે. (૪) ૯૯ વર્ષના ભાડાપટ્ટાની મુદ્દત પુરી થયા બાદ આ જમીનનો કબજો ખાલી કરવાનો રહેશે. પરંતુ કબજેદાર વ્યકિત તરફથી વિનંતી થતા આ પ્લોટની મુદત બીજા ૯૯ વર્ષના પટે રીન્યુ કરી આપવામાં આવે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી નક્કી થનાર વાર્ષિક લીઝની રકમ કબજેદારોએ ભરવાની રહેશે અને તે વખતે મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિર્ણય આખરી રહેશે. (૫) આ જમીનનું વાર્ષિક લીઝ ભાડુ પ્રતિ ચો.મી.નાં રૂા.૧/ મુજબ કરારખત કરતા સમયે ભાડાપટ્ટે રાખનારે ૯૯ વર્ષનું એકીસાથે ભરપાઈ કરવાનું રહેશે. (૬) પ્રવર્તમાન નિયમોનુસાર જી.એસ.ટી તથા સરકાર દ્વારા અન્ય કોઈ વેરા લાદવામાં આવે, તે ભાડાપટ્ટે રાખનારે ભરવાનાં રહેશે. આ ઉપરાંત દરખાસ્ત સ્થાયી સમિતિ મારફત સામાન્ય સભા સમક્ષ રજૂ કરાવી ઠરાવ કરવાનો રહેશે.
ઇ-ઓક્શનમાં ભાગ લેનારના નામ આવ્યા સામે
૧.કે.એમ.ઇમ્પેક્સ (મધુકાંત શાહ)
૨.પ્રાઈડ કન્સ્ટ્રકશન (રોહિત રવાણી)
૩.ઓમ બિલ્ડકોન (હેમેન્દ્ર ઠકરાર)
૪.રવિન્દ્રભાઈ ઈન્દુભાઈ ભટ્ટ ( રવીન્દ્ર ભટ્ટ)
૫. વિવાન સ્કાય બિલ્ડ એલએલપી ( સર્વાનંદ સોનવાણી)