BREAKING NEWS

સુવર્ણકાર સમાજના કારીગરો અને નાના વેપારીઓના આર્થિક હિતોનું રક્ષણ જરૂરી

  • October 08, 2026 10:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના સુવર્ણકાર સમાજના કારીગરો, નાના વેપારીઓ તથા સોના-ચાંદીના વ્યવસાય સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા પરિવારોના રોજગાર અને આર્થિક હિતોના રક્ષણ માટે રાજકોટ કલેક્ટરને સોની યુવા સોશિયલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા આવેદનપત્ર પાઠવી સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે. આ તકે ટ્રસ્ટના પ્રમુખ જીજ્ઞેશ એન. વાગડીયા તથા નયનભાઈ કોઠારી (વકીલ) દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું છે કે, ગુજરાતમાં વર્ષોથી સુવર્ણકાર વ્યવસાય અનેક પરિવારો માટે રોજગાર અને આજીવિકાનું મહત્વનું સાધન રહ્યો છે. સોનાના દાગીના બનાવતા કારીગરો, ડિઝાઇનરો, ઘડાઈ-મજૂરી કરતા શ્રમિકો, પોલિશિંગ કામદારો, નાના વેપારીઓ તેમજ અન્ય સંલગ્ન વ્યવસાય સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે. હાલમાં સોનાના ભાવમાં સતત વધારો, વ્યવસાયિક ખર્ચમાં વધારો તથા બજારમાં ઊભી થતી અનિશ્ચિતતાને કારણે નાના કારીગરો અને વેપારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઘણા નાના કારીગરો માટે મકાનનું ભાડું, બાળકોની સ્કૂલ ફી તથા દૈનિક જીવનના જરૂરી ખર્ચાઓ પૂરા કરવા પણ પડકારરૂપ પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. ટ્રસ્ટ દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે કે સુવર્ણકાર સમાજના જરૂરિયાતમંદ કારીગરો અને નાના વેપારીઓ માટે યોગ્ય આર્થિક સહાય તથા રાહત વ્યવસ્થા, ઓછા વ્યાજે લોન, વ્યાજમાં રાહત અને સ્વરોજગાર માટે નાણાકીય સહાય જેવી યોજનાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે. સાથે જ કારીગરોના રોજગારનું રક્ષણ થાય તે માટે સંબંધિત વિભાગ દ્વારા યોગ્ય અભ્યાસ કરવામાં આવે અને સુવર્ણકાર સમાજના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી તેમની સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવે. ટ્રસ્ટ દ્વારા વધુમાં રાજ્ય સરકાર સમક્ષ સુવર્ણકાર સમાજના કારીગરો માટે લાંબા ગાળાની આર્થિક અને રોજગારલક્ષી નીતિ બનાવવાની દિશામાં વિચારણા કરવા વિનંતી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application