ઓખામાં રહેતા એક પોલીસ કર્મચારી દ્વારા એક યુવતીને લગ્ન કરવાનું કહી ત્યાર બાદ દુષ્કર્મ ગુજાર્યાની તથા બ્લેક મેઈલ કર્યાની ફરિયાદ ઓખા મરીન પોલીસ મથકમાં નોંધાઈ છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ઓખામાં રહેતા અને પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવતા રણવીરસિંહ વખતસિંહ જાડેજા નામના પોલીસ કર્મીએ આ જ વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે વર્ષ ૨૦૧૬ ના સમયગાળા દરમિયાન મિત્રતા કેળવી અને પ્રથમ તો ફોન પર વાતચીત કરી અને સંબંધ વધાર્યો હતો. આ પછી પોલીસ કર્મીએ યુવતીને મળવા બોલાવીને તેણીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો.
આ બનાવ બાદ યુવતીએ રણવીરસિંહને લગ્ન કરવાનું કહેતા તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ ઘટના પછી રણવીરસિંહે તેણીને મળવા માટે બોલાવતા તેણીએ મળવા આવવાની ના કહી દીધી હતી. આથી રણવીરસિંહ દ્વારા યુવતીને બ્લેક મેઈલ કરી, અને તેની પાસે રહેલા અગાઉના ફોટા તથા વિડીયો બતાવીને તેણીને ધમકી ઉચ્ચારી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આમ, વર્ષ ૨૦૧૬ થી વર્ષ ૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન રણવીરસિંહ વખતસિંહ જાડેજા દ્વારા લગ્ન કરવાની લાલચ આપી, યુવતીની મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધી, દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવા અંગેની ધોરણસર ફરિયાદ યુવતી દ્વારા ઓખા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર બનાવ અંગે ઓખા મરીન પોલીસે યુવતીની ફરિયાદ પરથી રણવીરસિંહ વખતસિંહ જાડેજા સામે બી.એન.એસ.ની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, દ્વારકાના ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ આગળની તપાસ ઓખા મરીન પોલીસ મથકના પી.એસ.આઈ. વી.એન. સિંગરખીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.