દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)ના લાખો ગ્રાહકોની અંગત માહિતી ડાર્ક વેબ પર લીક થયાના અહેવાલોથી બેંકિંગ ક્ષેત્રે અને ગ્રાહકોમાં મોટો ખળભળાટ મચી ગયો છે. હેકર ગૃપ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમની પાસે ૩.૭૫ લાખથી વધુ રેકોર્ડ્સ અને ૨,૭૨૨ પીડીએફ ફાઈલો ઉપલબ્ધ છે. આ ઘટના સામે આવ્યા બાદ બેંક દ્વારા શેરબજારને ડેટા લીકની આ ઘટના અંગે સત્તાવાર જાણકારી આપવામાં આવી છે અને સ્વીકાર કર્યો છે કે સુરક્ષાના ક્ષેત્રે આ એક ગંભીર બાબત છે.
પ્રારંભિક તપાસ દરમિયાન ડાર્ક વેબ પર મળી આવેલા રેકોર્ડ્સમાંથી લગભગ ૩,૮૯૭ ગ્રાહકોના રેકોર્ડમાં વ્યક્તિગત ઓળખ સાથે જોડાયેલી સંવેદનશીલ માહિતી હોવાનું સામે આવ્યું છે. લીક થયેલા ડેટામાં ગ્રાહકોના નામ, મોબાઈલ નંબર, જન્મતારીખ, ઈમેલ આઈડી, સરનામું, બેંક શાખા અને ગ્રાહક ઓળખ નંબર જેવી મહત્વપૂર્ણ વિગતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, લોન અને લીડ સંબંધિત વિગતો પણ તેમાં સામેલ છે. બેંકે સ્પષ્ટતા કરી છે કે આ સમગ્ર ડેટાની સત્યતા ચકાસવા અને લીકની વાસ્તવિક મર્યાદા જાણવા માટે ઊંડાણપૂર્વકની તપાસ જરૂરી છે.
બેંકને ૧૬ ઓક્ટોબરના રોજ થ્રેટ ઈન્ટેલિજન્સ સેવા પ્રદાતા, ડિફેન્સ સાયબર એજન્સી અને ભારતીય કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા ડેટા લીક અંગેની સૂચના મળી હતી. આ ઘટના બાદ બેંકે તાત્કાલિક ધોરણે સાયબર સુરક્ષા પ્રક્રિયાઓ સક્રિય કરી દીધી છે અને પ્રમાણિત સાયબર સુરક્ષા એજન્સીને તેની તપાસ સોંપી છે. બેંકના જણાવ્યા મુજબ, આ ઘટનાથી તેમની મુખ્ય વ્યાપારી પ્રવૃત્તિઓ, નાણાકીય કામગીરી અથવા ગ્રાહક સેવાઓની નિરંતરતા પર કોઈ મોટો નકારાત્મક પ્રભાવ પડ્યો નથી.
સાયબર નિષ્ણાતોના મતે અંગત વિગતો લીક થવાથી મોટું જોખમ ઊભું થઈ શકે છે. ગુનેગારો બેંક અધિકારી બનીને ગ્રાહકોને ફોન કરી શકે છે અથવા કેવાયસી અપડેટના નામે ફિશિંગ કરી શકે છે. લોન કે ખાતાની માહિતીનો ઉપયોગ કરીને નાણાકીય છેતરપિંડી થવાની શક્યતા પણ વધી જાય છે. આ ડેટા લીક કરવાનો દાવો 'સિરીયસિઝમ' નામના હેકર જૂથે કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, ડાર્ક વેબ પર ગ્રાહકોની વિગતો, લોનની અરજીઓ અને એકાઉન્ટ ખોલવા સંબંધિત મહત્વપૂર્ણ દસ્તાવેજો ઉપલબ્ધ કરાવાયા છે.
પૈસાની માંગણી કરતા કોઈપણ અજાણ્યા કે પરિચિત વ્યક્તિને તેમની સેવ કરેલી સત્તાવાર નંબર પર જ કોલ કરીને ચકાસણી કરો. તમારો ઓટીપી, એટીએમ પીન કે પાસવર્ડ ક્યારેય કોઈની પણ સાથે શેર ન કરો. ઈમરજન્સી કે તાત્કાલિક પૈસા મોકલવાની સ્થિતિમાં હંમેશા ખાતરી કર્યા પછી જ વ્યવહાર કરો. પરિવારના સભ્યો વચ્ચે ઓળખ ચકાસવા માટે એક સિક્રેટ કોડ અથવા પાસવર્ડ નક્કી રાખો. જો છેતરપિંડી થાય તો વિલંબ કર્યા વગર તમારી બેંકને જાણ કરો અને સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર કોલ નોંધાવો.
ડાર્ક વેબ એ ઈન્ટરનેટનો એવો છુપો ભાગ છે જેને સામાન્ય સર્ચ એન્જિન (જેમ કે ગૂગલ) પર શોધી શકાતો નથી. તેને એક્સેસ કરવા માટે ખાસ સોફ્ટવેર કે નેટવર્કની જરૂર પડે છે. અસામાજિક તત્વો અને સાયબર ગુનેગારો ચોરી કરેલો ડેટા, લોગિન આઈડી અને અન્ય ગેરકાયદેસર સામગ્રી ખરીદવા અને વેચવા માટે ડાર્ક વેબનો ઉપયોગ કરે છે.