પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી (આરટીઓ) રાજકોટ દ્વારા રોડ સેફ્ટી અને ટ્રાફિક નિયમોના પાલન અર્થે જુલાઈ-૨૦૨૬ માસ દરમિયાન રાજકોટ જિલ્લામાં સઘન ચેકિંગ અને એન્ફોર્સમેન્ટ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન વિવિધ ટ્રાફિક નિયમોના ભંગ બદલ કુલ ૨,૦૬૧ કેસો નોંધવામાં આવ્યા હતાં. જેમાં દંડ પેટે રૂ. ૭૦,૧૬,૧૯૬ની વસૂલાત કરવામાં આવી હતી. આર.ટી.ઓ. અધિકારી આઈ.એસ. ટાંકના જણાવ્યાં અનુસાર, ટીમ દ્વારા ઓવરલોડ, ઓવર ડાયમેન્શન, સીટ બેલ્ટ, હેલ્મેટ, એલ.ઈ.ડી. લાઇટ, પીયુસી, ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવી, ડ્રાઇવીંગ લાયસન્સ તેમજ વીમા વગર વાહન ચલાવવુ, ભયજનક રીતે વાહન ચલાવવું વગેરે ગુન્હાઓ સંબંધિત દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વધુમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા તેમજ શાળાનાં બાળકો અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખીને સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં ખાસ કરીને સ્કૂલ બસો અને સ્કૂલ વાનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ટીમ દ્વારા પરમીટનો ભંગ, ફીટનેસ પૂરું થવું, લાયસન્સ ન હોવું, પી.યુ.સી. વગર વાહન ચલાવવું, વીમો પૂરો થઇ જવો વગેરે બાબતોનું ચેકિંગ હાથ ધરી ૨૫૯ જેટલા કેસમાં કુલ રૂ. ૧૪,૩૮,૦૦ની દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. પોતાની તેમજ અન્ય નાગરિકોની સુરક્ષા માટે ટ્રાફિકના નિયમોનું કડકપણે પાલન કરે. વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાઇસન્સ, પી.યુ.સી., વીમો અને ફીટનેસ સર્ટિફિકેટ જેવા જરૂરી દસ્તાવેજો સાથે રાખવા તેમજ ઓવરલોડિંગ, અનધિકૃત એલ.ઈ.ડી.લાઈટ કે નિયમબદ્ધ ન હોય તેવા વાહનો ચલાવવાથી દૂર રહેવા અંતમાં પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દ્વારા વાહનચાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે.