BREAKING NEWS

દેશ વેચી દેતાં તમને શરમ ન આવી? ટ્રેડ ડીલ પર રાહુલના આકરા પ્રહાર

  • February 11, 2026 03:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
લોકસભામાં બજેટ પરની ચર્ચાના બીજા દિવસે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે માર્શલ આર્ટના ઉદાહરણથી શરૂઆત કરતા કહ્યું કે, લડાઈ ગ્રીપથી શરૂ થાય છે અને પછી ગળું દબાવવા સુધી પહોંચે છે. રાહુલ ગાંધીએ ચેતવણી આપી કે ભારત હાલમાં એક ખતરનાક અને અનિશ્ચિત વિશ્વમાં પ્રવેશી રહ્યું છે, જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(એઆઈ), ડેટા અને એનર્જીનો હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. રાહુલ ગાંધીએ લોકસભામાં ભારત-અમેરિકા વેપાર સોદા પર પ્રહાર કરતા કહ્યું હતું કે 'દેશ વેચતા તમને શરમ નથી આવતી?'

રાહુલ ગાંધીએ સંસદમાં મોદી સરકારને ઘેરતા કહ્યું કે અમેરિકા ભારતના નિર્ણયો કેવી રીતે લઈ શકે? મોદી સરકારે આપણું કૃષિ ક્ષેત્ર અમેરિકા માટે ઓપન કરી દીધું. સરકારે ખેડૂતો વિશે જરાય ન વિચાર્યું. ભારતને વેચીને તેમને શરમ નથી આવતી. અમેરિકાનું ટેરિફ ત્રણ ટકાથી વધારીને 18 ટકા કરી દીધું છે. પીએમ મોદી હવે ડરી રહ્યા છે. આ સાથે રાહુલ ગાંધીએ એપસ્ટિન ફાઈલનો ઉલ્લેખ કર્યો હતો.

રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી બે કારણોસર ડરી રહ્યા છે જેમાં એક છે એપસ્ટિન. આ સાથે રાહુલે અદાણીનું નામ લીધું. તેમણે કહ્યું કે ગૌતમ અદાણી કોઈ સાધારણ બિઝનેસમેન નથી. તેમની કંપની સામે અમેરિકામાં કેસ છે. તેનો ટારગેટ પીએમ છે અદાણી નહીં. આ કંપની ભાજપનું ફાયનાન્શિયલ સ્ટ્રક્ચર છે. રાહુલે આ દરમિયાન અનિલ અંબાણીનું નામ પણ લઈને કહ્યું કે તેઓ જેલમાં કેમ નથી? તેનું પણ કારણ છે એપસ્ટિન ફાઈલ. હરદીપ સિંહ પુરી મંત્રી છે. તે આ ગૃહના સભ્ય છે. તેના પર રિજિજુએ વાંધો ઊઠાવ્યો.


રાહુલ ગાંધીની સ્પીચ બાદ વિપક્ષનું લોકસભામાંથી વૉકઆઉટ

રાહુલ ગાંધીની સ્પીચ બાદ લોકસભામાંથી વિપક્ષે વૉકઆઉટ કરી દીધું હતું. તેના વિશે કટાક્ષ કરતાં અનુરાગ ઠાકુરે કહ્યું કે રાહુલ ગાંધી ગ્રિપની વાત કરી રહ્યા હતા. ગ્રિપ બતાવી જતા રહ્યા. આજે પહેલા જ જતા રહ્યા. ઠાકુરે કહ્યું કે આ વખતના બજેટ માટે હું નિર્મલા સીતારમણનો આભાર વ્યક્ત કરું છું જેમણે દેશના કરોડો નાગરિકોને સ્મિત કરવાની તક આપી.


શું અમેરિકા નક્કી કરશે કે ભારત ઓઈલ ક્યાંથી ખરીદશે?: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતના લોકો પાસે સૌથી વધુ ડેટા છે. ડેટા સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણા લોકોની પ્રતિભા અને વિચારસરણી પર કબજાના પ્રયાસો થઈ રહ્યા છે. અમેરિકા અને ચીનની નજર આપણા ડેટા પર છે. બાંગ્લાદેશ કાપડ ઉત્પાદનોની નિકાસ કરે છે, તો તેના પર શૂન્ય ટેરિફ છે. અને આપણી ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી ટેરિફ ભરશે. અમેરિકન નિકાસ વધી, તો આપણને શું ફાયદો થયો? ટ્રમ્પે ટેરિફ વધાર્યો. શું અમેરિકા નક્કી કરશે કે ભારત ઓઈલ ક્યાંથી ખરીદશે? કોઈ વડાપ્રધાને આવું કર્યું નથી. સુપરપાવરનો યુગ પૂરો થઈ ગયો છે. જો અમેરિકા કહે છે કે તમે અહીંથી ઓઈલ ખરીદી શકતા નથી, તો તેનો અર્થ એ છે કે ઉર્જા ક્ષેત્રને શસ્ત્ર બનાવવામાં આવી રહ્યું છે. જો અમેરિકા ટેરિફમાં વધારો કરે છે, તો તેનો અર્થ એ છે કે નાણાકીય ક્ષેત્રને શસ્ત્ર બનાવવામાં આવી રહ્યું છે. સરકારને શરમ આવવી જોઈએ.

આ ફક્ત પીએમનું સરન્ડર નથી પણ દેશની 140 કરોડની વસતીનું સરન્ડર છે: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ ડેટાના મહત્ત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે, 'આજે ડેટા સૌથી મોટી સંપત્તિ છે અને તે એઆઈ માટે પેટ્રોલ સમાન છે. અમેરિકાને પોતાનું સુપરપાવર સ્ટેટસ અને ડોલરનું વર્ચસ્વ ટકાવી રાખવા માટે ભારતીય ડેટાની સખત જરૂર છે. જો વિપક્ષ સત્તામાં હોત અને ટ્રમ્પ સાથે વાટાઘાટો કરતું હોત, તો સૌથી પહેલી શરત ભારતના ડેટાની સુરક્ષાની હોત.' તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, 'અમે એવી રીતે ડીલ ન કરત કે જાણે આપણે તેમના સેવક હોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતે તમામ ડેટા હેન્ડ ઓવર કરી દીધો છે. આપણા ખેડૂતોને અમેરિકાના ખેડૂતો સામે સરન્ડર કરાવી દીધું. જે કંઇ થઇ રહ્યું છે તે યોગ્ય નથી. આ ફક્ત પીએમનું સરન્ડર નથી પણ દેશની 140 કરોડની વસતીનું સરન્ડર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application