રાજકોટ સહિત રાજ્યભરમાં સ્પા મસાજની આડમાં દેહવિક્રીયના ગોરખધંધાનું મસમોટું નેટવર્ક ચાલતું હોય રાજ્ય પોલીસ વડા દ્વારા સ્પા મસાજમાં ચાલતા આવા અન અધિકૃત ધંધા બંધ કરાવવા કરેલા આદેશના પગલે શહેર પોલીસ કમિશનરની સૂચનાથી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા છેલ્લા ત્રણ માસમાં આઠ જેટલા સ્પામા ચાલતા કુટણખાનામાં ડમી ગ્રાહક મોકલી રેડ પાડવાનું શરૂ કર્યું છે ત્યારે હોમગાર્ડ અને જી આર ડી જવાને ભાગીદારીમાં સ્પાની આડમાં કૂટણખાનુ શરૂ કરતા મવડી વિસ્તારમાં નીલા સ્પામાં રેડ કરી સંચાલક સહિત ભાગીદારો સામે ગુનો દાખલ કર્યો છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેર એએચટીયુ બ્રાન્ચના પીઆઈ બી એમ ઝણકાટના માર્ગદર્શન હેઠળ ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, મવડી ચોકડી, ન્યુ જલારામ સોસાયટી, આઈસીઆઈસીઆઈ બેન્કની ઉપર આવેલા નીલા સ્પામાં મસાજ ની આડમાં કુટણખાનું ધમધમી રહ્યું છે જે માહિતીના આધારે પોલીસે એક ડમી ગ્રાહક ઉભો કરીને આ સ્પામાં મોકલ્યો હતો.
ડમી ગ્રાહક તરીકે મસાજ કરાવવા ગયેલા યુવકને યુવતીએ એકસ્ટ્રા સર્વિસના નામે શારીરિક સંબંધ બાંધવાનું કહેતા ડમી ગ્રાહકે પોલીસ અધિકારીઓને માહિતગાર કરતા સ્પામાં ટીમ ધસી જઈને તલાશી કરતાં ૨૫,૪૫૦ની કિંમતના ચાર મોબાઈલ મળી આવ્યા હતા.
તેમજ ત્રણ જેટલી દિલ્હી અને વેસ્ટ બંગાળની યુવતીઓ મળી આવી હતી તેની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, સ્પા સંચાલક સુનિલ નાથાભાઈ ચાવડા ઉમર 33 રહે ભગવતી પરા ન્યુ નંદનવન સોસાયટી તેમજ ઋષિ સુરેશભાઈ જાની, વિશાલ સહિતના ભાગીદારીમાં સ્પા ચલાવતા હોવાનું તેમજ સંચાલકો પ્રથમ મસાજના નામે ગ્રાહકો પાસે કાઉન્ટર ઉપર ૧ હજાર રૂપિયા લેતા હતા જે બાદ કોઈ ગ્રાહક મસાજ દરમિયાન શારીરિક સંબંધ બાંધવા માટે તૈયારી દર્શાવે તો તેની પાસેથી લલના ર હજાર ઉઘરાવતી હતી જેમાંથી ૧ હજાર રૂપિયા સંચાલકોને આપતી હતી. ઉલ્લેખનીય છે કે, સુનિલ ચાવડા જીઆરડી માં અગાઉ ફરજ બજાવતો હોવાનું તેમજ ઋષિજાની તાલુકા પોલીસ મથકમાં હોમગાર્ડમાં ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે સંચાલક સહિત પાંચ સામે ગુનો દાખલ કરી નાસી છૂટેલા ભાગીદાર જી આર ડી ના પૂર્વ કર્મચારી સુનિલ ચાવડા તેમજ હોમગાર્ડ જવાન ઋષિ જાની ની શોધખોળ શરૂ કરી છે.
આ અંગેની કામગીરીમાં પીઆઇ બી એમ ઝણકાટ, પીએસઆઇ એકે ગૌસ્વામી, જીગ્નેશ મારુ, હરસુખભાઈ વાછાણી, મોહમ્મદ આરીફ અન્સારી, ભૂમિકાબેન ઠાકર, શાંતુબેન મૂળિયા, મહેશ પ્રસાદ સહિતની ટીમ જોડાઈ હતી.