સુરેન્દ્રનગરના પાટડીના વેલનાથપરામાં એસએમસીની ટીમે દરોડો પાડી રાજકોટના પીઆઇના ભાઈ સંચાલિત જુગારધામ ઝડપી લીધું હતું. પોલીસે અહીંથી મહિલા સહિત બે આરોપીઓને ઝડપી લઇ 5.25 લાખની મત્તા કબજે કરી હતી. જ્યારે જુગાર મુખ્ય બે શખસો સહિત સાત આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પીઆઇના ભાઈ સંચાલિત જુગારધામ પર દરોડો પડતા પોલીસબેડામાં ભારે જનતા જાગી છે. બીજી તરફ દરોડામાં સ્થાનિક પોલીસની મીઠી નજર કે બેદરકારી ફલિત થશે તો કાર્યવાહીના સંકેત જણાઇ રહ્યા છે.
જાણવા મળતી વિગતો મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઇ વી.એન. જાડેજા, ભરતદાન ગઢવી સહિતની ટીમને પાટડીનો અનિલ દશરથભાઈ ઠાકોર અને કિરણ પ્રહલાદભાઈ ઠાકોર, પાટડીના વેલનાથપરામાં રબારીવાસ પાછળ આવેલા ખરાબમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે એસએમસીની ટીમ દરોડો પાડ્યો હતો. પોલીસને જોતા જ જુગારીઓમાં નાશભાગ મચી ગઈ હતી. પોલીસે જુગાર રમતા સગરામ વિભાભાઇ રબારી, અને રમીલાબેન ગોપાલભાઈ ઠાકોરને રોકડ રૂપિયા 2,34,780 કાર અને બે મોબાઈલ સહિત રૂ.5,25,780 ની મત્તા સાથે ઝડપી લીધા હતા. આ શખસોની પૂછપરછ કરતા જુગાર રમડનાર અનિલ દશરથભાઈ ઠાકોર અને કિરણ પ્રહલાદભાઈ ઠાકોર ઉપરાંત જુગાર રમવા આવેલા ચકુબેન મમાભાઈ ઠાકોર, અરવિંદસિંહ હરિભાઈ ઝાલા, રમેશ ઉર્ફે રમો ફરાર થઈ ગયા હતા. આ અંગે પાટડી પોલીસ મથકમાં જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી ફરાર થઈ ગયેલા આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ વેલનાથપરામાં જુગારધામ ચલાવનાર બે શખ્સોમાંથી કિરણ ઠાકોરના ભાઈ કમલેશ ઠાકોર રાજકોટમાં એરપોર્ટ પોલીસ મથકમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા હોવાનું માલુમ પડ્યું છે. જ્યારે પીઆઇના ભાઇ સંચાલિત જુગારધામ પર દરોડો પડતા પોલીસ બેડામાં પણ ભારે ચર્ચા જાગી છે. તો બીજી તરફ જુગારધામ પ્રકરણમાં સ્થાનિક પોલીસની મીઠી નજર હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જેથી આગામી દિવસોમાં સ્થાનિક પોલીસ સામે કાર્યવાહીના સંકેત મળી રહ્યા છે.
બે વર્ષ પૂર્વે આ જ સ્થળે એસએમસીએ દરોડો પાડ્યો હતો
પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ ગત તા. 19-11- 2024 ના સ્ટેટ મોનટરિંગ સેલની ટીમે પાટડીના વેલનાથપરામાં જુગારનો દરોડો પાડયો હતો. જેમાં જુગારમાં અને પીઆઇના ભાઈ કિરણ ઠાકોર સહિત 30 શખ્સો 6.58 લાખની મત્તા સાથે ઝડપાયા હતા. ત્યારે બે વર્ષ બાદ ફરી એસ.એમ.સીએ આ જ સ્થળે દરોડો પાડયો છે.