BREAKING NEWS

પડધરી- લોધિકામાં ખનીજ પર દરોડા: રૂપિયા ૧.૧૯ કરોડનો મુદ્દામાલ જપ્ત

  • July 20, 2026 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ એસઓજીની ટીમે ખાણ માફિયા પર કડક કાર્યવાહી કરી અલગ અલગ બે સ્થળોએ દરોડા પાડી રૂ.૧.૧૯ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં પડધરીના વણપરી પાસે તળાવની બાજુમાં સોફટ મોરમ- માટીનુ પરિવહન ઝડપી લઇ રૂ.૭૦.૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.. જયારે લોધિકાના માખાવડ ચોકડી પાસે મોરમનુ ગેરકાયદે વહન ઝડપી લઇ રૂ.૪૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં ગેરકાયદે રીતે રેતી ખનીજનું ખનન તથા વહન કરતા શખસો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હોય જેને લઇ એસઓજી પીઆઇ એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પડધરીના વણપરી ગામની સીમમાં આવેલ તળાવની આજુબાજુની જગ્યામાંથી સોફ્ટ મોરમ(ત્રાસ)- માટીનું ગેરકાયદે ખનન તથા વહનની કામગીરી ચાલુ હોય તેવી હકીકત મળતા એસઓજીની ટીમે અહીં દરોડો પાડ્યો હતો. પોલીસના દરોડા દરમિયાન અહીં સોફ્ટ મોરમ માટીનું ખનન વહન તથા સંગ્રહની પ્રવૃત્તિ ચાલતી હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે અહીંથી ટાટા હિટાચી એસ્કેવેટર મશીન સોફ્ટ મોરમ(ત્રાસ)- માટી ભરેલ ડમ્પર અને 200 ટન સોફ્ટ મોરમ સહિત કુલ રૂપિયા 70.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બાદમાં ભૂસ્તરશાસ્ત્રી ખાણ ખનીજ વિભાગ રાજકોટને કમ્પાઉન્ડિંગ દંડ કરવા રિપોર્ટ કરી માટીનું ગેરકાયદેખાનન વહન તથા સંગ્રહ કરતા શખસો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. એસઓજીની ટીમે અન્ય એક દરોડામાં લોધીકા તાલુકાના માખાવડ ગામની ચોકડી પાસે ગેરકાયદે રીતે સોફ્ટ મોરમ(ત્રાસ) માટેનું ગેરકાયદેખનન તથા વહનની પ્રવૃત્તિ ઝડપી લઇ અહીંથી જેસીબી અને ત્રણ ટ્રેક્ટર સહિત 49 લાખનો મુદ્દામાલ કબજે કરી આ બાબતે ભૂસ્તરશાસ્ત્રી ખાણ ખનીજ વિભાગ રાજકોટને કમ્પાઉન્ડિંગ દંડ પેટે રિપોર્ટ આપી જરૂરી કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં એસ.ઓ.જી.પી.આઇ એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ જી.જે. ઝાલા તથા રણજીતસિંહ ધાંધલ, વિપુલભાઈ ગોહિલ અને નવદીપ બાબરીયા સાથે રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application