BREAKING NEWS

સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી વિરામ યથાવત, રાજ્યમાં પણ માત્ર ઝાપટા

  • August 05, 2026 10:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યભરમાં વરસાદની ગતિવિધિ હવે ધીમી પડતી હોવાનું ચિત્ર સામે આવ્યું છે. આજે સવારે પૂરા થયેલા 24 કલાક દરમિયાન રાજ્યના માત્ર 62 તાલુકામાં ઝાપટાથી લઈને દોઢ ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો, જ્યારે આજે સવારે પણ માત્ર 32 તાલુકામાં જ હળવા ઝાપટાં પડ્યા હતા. બીજી તરફ, સૌરાષ્ટ્ર-કચ્છમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ લગભગ સમાપ્ત થયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ગઈકાલે સૌરાષ્ટ્રમાં ભાવનગર, રાજુલા, તાલાલા, માળીયાહાટીના વિસ્તારમાં જ હળવા ઝાપટાં નોંધાયા હતા. આજે સવારે સૌરાષ્ટ્રમાં એક પણ સ્થળે વરસાદ પડ્યો નથી. રાજ્ય હવામાન વિભાગે ગઈકાલે બપોરે જાહેર કરેલા બુલેટિન મુજબ હાલ ચોમાસાની ધરી અનુપગઢ, દિલ્હી, શાહજહાંપુર, બસ્તી અને છાપરા થઈને પૂર્વ તરફ નાગાલેન્ડ સુધી વિસ્તરેલી છે. મધ્ય અને ઉપલા ઉષ્ણકટિબંધીય પશ્ચિમી પટ્ટામાં નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બન્યું છે. ઉપરાંત ઉત્તરપૂર્વ રાજસ્થાન, સૌરાષ્ટ્ર તેમજ પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી ઉપર અલગ-અલગ સ્તરે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી આગામી દિવસોમાં હવામાનમાં સામાન્ય અસ્થિરતા યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદ નોંધાયો હતો, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં માત્ર છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થયો હતો. જોકે હાલ કોઈ ભારે વરસાદની સ્થિતિ દેખાતી નથી અને મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટતું હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. વિભાગે તા. 5થી 11 ઓગસ્ટ સુધીની આગાહીમાં ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ, દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જોકે હાલની સ્થિતિ જોતા સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી વિરામ હજુ થોડા દિવસ યથાવત રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ કોઈ વ્યાપક ભારે વરસાદની ચેતવણી જાહેર કરાઈ નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News