હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી બે દિવસ સુધી સામાન્ય વરસાદી માહોલ રહેવાની મહત્ત્વની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે નવી વરસાદી સિસ્ટમ કાર્યરત થઈ છે, જેના લીધે વિવિધ વિસ્તારોમાં માવઠા જેવો માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યના મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને મધ્ય-દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓ રાજકોટ, જૂનાગઢ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં વરસાદી ઝાપટાં કે સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે.
૧૯મી તારીખે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા
આગામી ૧૯મી તારીખે પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી હાજરી જોવા મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ, ૧૯મીએ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો જેવા કે અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ પડી શકે છે. આ બે દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ચિંતા વધવા પામી છે.
વરસાદી માહોલ વચ્ચે ગરમી અને બફારામાં વધારો
એક તરફ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, તો બીજી તરફ ગરમીનો પારો પણ સતત ઊંચકાયો છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રી સુધીનો વધારો નોંધાશે. હાલમાં રાજકોટમાં સૌથી વધુ ૪૦.૩ ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદ શહેરમાં પણ તાપમાન ૩૮ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. આમ, એકતરફી વરસાદી વાતાવરણની સાથે લોકોએ અસહ્ય ગરમી અને બફારાનો સામનો પણ કરવો પડશે.