BREAKING NEWS

ગુજરાત પર માવઠાનું સંકટ... બંગાળની ખાડીમાં વાવાઝોડાનો ખતરો, અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ થઈ સક્રિય, અહીં અપાઈ વરસાદની આગાહી

  • November 21, 2025 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોન્થા નામના વાવાઝોડાની હજુ કળ વળી નથી ત્યાં આગામી તારીખ 25 આસપાસ બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું ઊભું થાય તેવી પ્રબળ સંભાવના દેખાઈ રહી છે. આ સિસ્ટમની અસરના ભાગરૂપે મહારાષ્ટ્ર, કોકણ અને ગોવામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે હવામાન ખાતાના જાણકારોના કહેવા મુજબ દક્ષિણ ગુજરાતમાં પણ માવઠું થાય તેવી શક્યતા છે.


48 કલાક પછી આ સિસ્ટમ વધુ પ્રભાવશાળી બનશે

હવામાન ખાતાના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સાઉથ ઇસ્ટ દિશામાં આવતીકાલે લોપ્રેશર સિસ્ટમ ઊભી થશે અને તે ઊભી થયા પછીના 24 કલાકમાં તે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને વેસ્ટ નોર્થ વેસ્ટ દિશામાં ગતિ કરશે. 48 કલાક પછી આ સિસ્ટમ વધુ પ્રભાવશાળી બનીને વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.


બીજી એક સિસ્ટમ અરબી સમુદ્રમાં આજે જોવા મળી

બીજી એક સિસ્ટમ અરબી સમુદ્રમાં આજે જોવા મળી છે. અરબી સમુદ્રમાં સાઉથ ઇસ્ટ દિશામાં લક્ષદીપ નજીક અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન જોવા મળે છે. થોડા સમય પહેલા જ્યારે મોન્થા નામનું વાવાઝોડું ઉદભવ્યું ત્યારે પણ આ પ્રકારની સિસ્ટમો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં જોવા મળી હતી.


આવતી કાલથી છ દિવસ માટે ઠંડીના પ્રમાણમાં સામાન્ય વધારો થશે

સમુદ્રના વાતાવરણમાં થયેલા ફેરફારને કારણે અને પવનની દિશા બદલાતા ઠંડીના પ્રમાણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આજે રાજકોટમાં 14.2, પોરબંદરમાં 14.4, વેરાવળમાં 18.9, અમરેલીમાં 16.6, ભાવનગરમાં 16.8, ભુજમાં 15.6, નલિયામાં 11.2, ડીસામાં 14.4, દ્વારકામાં 18.2, ગાંધીનગરમાં 16.4, કંડલામાં 16.7 અને સુરતમાં 18.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. રાજકોટ, નલિયા, વેરાવળ અને દમણમાં ગઈકાલે મહત્તમ તાપમાનનો પારો 32 ડિગ્રીને પાર કરી ગયો હતો. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતી કાલથી છ દિવસ માટે ઠંડીના પ્રમાણમાં સામાન્ય વધારો થશે અને લઘુતમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી જેટલું ઘટશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News