ચાલુ ચોમાસાની સિઝનમાં રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ ૩૨ ટકા જેટલો ઓછો વરસાદ નોંધાયા બાદ, આખરે મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. લાંબા વિરામ બાદ શરૂ થયેલા આ વરસાદી રાઉન્ડને કારણે સુકાઈ રહેલા પાક અને ચિંતાતુર ખેડૂતોમાં નવું જીવન આવ્યું છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કુલ ૯૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેમાંથી ૧૪ તાલુકાઓ એવા છે જ્યાં એકથી લઈને અઢી ઈંચ સુધીનો સારો વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં અઢી ઈંચ અને વલસાડના ઉમરગામ તાલુકામાં ૨.૪૦ ઈંચ નોંધાયો છે.
સુરતમાં બે ઈંચ વરસાદમાં પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી
આજે ૧૯ જુલાઈના રોજ વહેલી સવારે ૫ વાગ્યાથી સુરત શહેરમાં આકાશમાં કાળાડિબાંગ વાદળોની ફોજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. માત્ર થોડા જ સમયમાં બે ઈંચથી વધુ પાણી ખાબકતાં સમગ્ર સુરત શહેર ફરી એકવાર જળબંબોળ બન્યું હતું. આ ટૂંકા ગાળાના ભારે વરસાદે જ સુરત મહાનગરપાલિકા (SMC) ની પ્રી-મોન્સૂન કામગીરી અને કરોડો રૂપિયાના ડ્રેનેજ નેટવર્કની પોલ ખોલી નાખી છે. શહેરના પ્રખ્યાત ઉધના રેલવે ગરનાળામાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો હતો અને સવારના સમયે નોકરી-ધંધે જતાં લોકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા હતા.
વેસુમાં રોષે ભરાયેલા વેપારીઓનો ઉગ્ર વિરોધ
પાલિકાના નબળા આયોજનને કારણે ઉધના-નવસારી રોડ, રામપુરા અને વેસુ વિસ્તારના વીઆઈપી રોડ પર ઓપેરા બિઝનેસ હાઉસ તથા સંગિની ઇવોક જેવા મોકાના સ્થળો પાસે ભારે પાણી ભરાયા હતા. કરોડો રૂપિયાના ટેક્સ ભરવા છતાં દર વર્ષે સર્જાતી આ પરિસ્થિતિથી રોષે ભરાયેલા સ્થાનિક વેપારીઓ અને રહીશો વેસુમાં ધોધમાર વરસાદ વચ્ચે જ રોડ પર બેસી ગયા હતા. તેમણે "હાય રે SMC હાય હાય" ના ગગનભેદી નારા લગાવી પાલિકા તંત્રનો ઉગ્ર વિરોધ કર્યો હતો. જો કે, બપોર બાદ વરસાદે વિરામ લેતાં અને પાણી ધીમે-ધીમે ઓસરતાં વહીવટી તંત્ર અને સ્થાનિક નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે.
દક્ષિણ ગુજરાત અને નવસારીમાં અચાનક બદલાયું હવામાન
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર જોર પકડ્યું છે, જેના ભાગરૂપે રવિવારે વહેલી સવારથી જ નવસારી શહેર અને સમગ્ર જિલ્લાના હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. સવારના પ્રારંભિક કલાકોમાં આકાશ ઘેરા વાદળોથી ઢંકાઈ જતાં વિઝિબિલિટી ઘટી ગઈ હતી અને ત્યારબાદ પવનના સુસવાટા તથા ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. નવસારીમાં સવારે ૮થી ૧૦ વાગ્યા સુધીના માત્ર બે જ કલાકમાં ૧.૩૯ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. મોડીરાત્રે અમદાવાદ અને જૂનાગઢમાં પણ હળવીથી મધ્યમ મેઘમહેર થઈ હોવાના અહેવાલો છે.
તાપમાનમાં ઘટાડો અને આગામી ૬ દિવસની આગાહી
લાંબા સમયના બળબળતા ઉકળાટ અને અસહ્ય ગરમી બાદ તૂટી પડેલા આ વરસાદને પગલે સમગ્ર પંથકના તાપમાનમાં મોટો ઘટાડો થતાં સ્થાનિકોએ અસહ્ય ગરમીથી મોટી રાહત અનુભવી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન ગગડ્યું છે, જેમાં અમદાવાદ અને અમરેલીમાં તાપમાનમાં સૌથી વધુ ૧.૮ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળ્યો છે. કંડલા ૩૭ ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી ગરમ રહ્યું હતું, જ્યારે ડીસા અને ભુજમાં પારો ૩૫ ડિગ્રી રહ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી ૬ દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.