BREAKING NEWS

કાલાવડ, નિકાવા, શિશાંગ, પાંચ દેવડામાં વરસાદના ઝાપટા

  • June 04, 2026 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડ, નિકાવા, શિશાંગ, પાંચ દેવડામાં વરસાદના ઝાપટા

હવામાન ખાતાની આગાહી મુજબ ગઇકાલે કાળઝાળ ગરમી વચ્ચે કાલાવડ તાલુકાના કેટલાક ગામોમાં બપોરે ૪ વાગ્યા બાદ વરસાદના ભારે ઝાપટા પડયા હતા. ૪૫ કિ.મી.ની ઝડપે પવન પણ ફુંકાયો હતો અને વાતાવરણમાં ભારે બદલાવ આવ્યો હતો. કાલાવડ તાલુકાના શિશાંગ, પાંચ દેવડા અને નિકાવામાં વરસાદના ભારે ઝાપટા પડયા હતા. કાલાવડ શહેરમાં પણ લગભગ ૧૫ થી ૨૦ મીનીટ વરસાદનું ઝાપટુ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ભારે પવન પણ ફુંકાયો હતો. 

કાલાવડથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગઇકાલે નિકાવામાં વરસાદનુ ભારે ઝાપટુ પડયુ હતું થોડો સમય વરસાદ વરસતા રસ્તાઓ ભીના થયા હતા વાતાવરણમાં પણ ઠંડક ફેલાઇ હતી. ભારે પવન વચ્ચે વરસાદના જોરદાર ઝાપટા પડયા હતા અને આજુબાજુના પંથકમાં પણ ઝાપટા પડયાનું જાણવા મળેલ છે. કાલાવડ શહેરમાં ભારે પવન સાથે બપોરના ૪ વાગ્યા બાદ વરસાદના ઝાપટા પડયા હતા. 

જામનગરમાં મોડી રાત્રે વાદળો ગર્જયા હતા, લોકોને એમ હતુ કે વરસાદ આવશે પરંતુ લોકોની આશા ઠગારી નીવડી હતી, આજ સવારથી શહેરમાં વાદળીયુ વાતાવરણ છે, અને થોડીવાર તડકો અને થોડીવાર છાંયો એવુ વાતાવરણ જોવા મળેલ છે. 

અરબી સમુદ્ર આસપાસ વિસ્તારોમાં ધીરે ધીરે ચોમાસુ આગળ વધે છે. એટલે જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી, સોમનાથ જેવા વિસ્તારમાં વીજળીના ભારે કડાકા ભડાકા થશે અને છૂટા છવાયા ભારે ઝાપટા પડશે. તા.૬ જૂન આસપાસ હવામાન સુકુ રહેશે, તેમ પણ હવામાન ખાતાએ જણાવ્યું છે. આગાહી મુજબ હજુ પણ સાતેક દિવસ વાદળીયુ વાતાવરણ રહેશે અને વરસાદના જોરદાર ઝાપટા પડશે જો કે કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળી છે.

કલેકટર કચેરીના કંટ્રોલ‚મના જણાવ્યા મુજબ મહતમ તાપમાન ૩૭.પ, લઘુતમ તાપમાન ૨૮.૫, હવામાં ભેજ ૭૬, પવનની ગતિ ૩૫ થી ૪૦ પ્રતિ કિ.મી.ની ઝડપે જોવા મળી છે. આજ સવારથી કાલાવડ, ખંભાળીયા, લાલપુર, કલ્યાણપુર, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, દ્વારકા, ફલ્લા, જામરાવલ, ભાટીયા, સહિતના ગામોમાં પણ વાદળા સાથે તડકો છાયો જોવા મળ્યો છે. ભેજ વધુ હોવાને કારણે બફારો વઘ્યો છે. 

એક તરફ વાદળો છવાયા છે. ગઇકાલે દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. ગોમતીઘાટ, સંગમ નારાયણ મંદિર, લાઇટ હાઉસ, ભડકેશ્ર્વર બીચ સહિતના વિસ્તારોમાં મોજા ઉછળ્યા હતા. આમ, વાતાવરણમાં આજ સવારથી જ આગાહી મુજબ પલટો આવ્યો છે. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application