સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા પાંચથી છ દિવસથી વરસાદી ગતિવિધિ લગભગ સંપૂર્ણપણે બંધ રહેતાં અનેક વિસ્તારોમાં ફરી એકવાર વરસાદની રાહ જોવાઈ રહી છે. બીજી તરફ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ચોમાસું સક્રિય રહેતાં આજે સવારે પૂરા થયેલા 24 કલાક દરમિયાન રાજ્યના આશરે 50 તાલુકામાં ઝાપટાથી માંડીને દોઢ ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારે પણ આકાશમાં વાદળો છવાયેલા હોવા છતાં ક્યાંય નોંધપાત્ર વરસાદ પડ્યો નહોતો.
ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે સવારે 9 વાગ્યે જાહેર કરાયેલા ઓલ ઇન્ડિયા વેધર બુલેટિન મુજબ છત્તીસગઢ અને નજીકના ઉત્તર આંતરિક ઓડિશા ઉપર રહેલું ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને આગામી 24 કલાક દરમિયાન ધીમે ધીમે નબળું પડી ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની શક્યતા છે. આ સિસ્ટમની અસર હેઠળ પશ્ચિમ ભારતના વિવિધ વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદી ગતિવિધિમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.હવામાન વિભાગની આગાહી મુજબ 30 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન ગુજરાત પ્રદેશમાં અને 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી ગતિવિધિ ફરી સક્રિય બનવાની શક્યતા છે. 30 જુલાઈથી 1 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ અને તેજ પવન સાથે છૂટાછવાયા વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે, જ્યારે 31 જુલાઈ તથા 1 ઓગસ્ટે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે. હાલના સ્થાનિક હવામાનને જોતા આજે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, પરંતુ વ્યાપક વરસાદની શક્યતા ઓછી છે. જો કે મહિનાના અંતિમ દિવસથી મોનસૂનની ગતિવિધિમાં ફરી વધારો થઈ શકે છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદથી લઈને મધ્યમ વરસાદની શરૂઆત થવાની સંભાવના હવામાન નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.