હોર્ડિંગ્સ, ઝાડ ઊખડી ગયા: લોકો ભયભીત: વાતાવરણમાં ઠંડક પ્રસરી
હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે રાજ્યના અન્ય વિસ્તારો સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પણ નોંધપાત્ર પલટો આવ્યો હતો. આ સાથે ખંભાળિયામાં અડધો ઈંચ વરસાદ પડી ગયો હતો.
ખંભાળિયા પંથકમાં ગત સાંજથી પ્રસરી ગયેલી ઠંડક તેમજ વાદળોની જમાવટ વચ્ચે ગતરાત્રે આશરે બે વાગ્યાના સમયે વાતાવરણ પલટાયું હતું અને વીજળીના જોરદાર કડાકા ભડાકા સાથે તેજ ગતિએ જોરદાર પવન ફૂંકાયો હતો.
આ પરિસ્થિતિમાં ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં મધ્યરાત્રીના વાઝડી અને કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ વરસી ગયો હતો. વંટોળિયા જેવા પવન અને વરસાદના કારણે ઠેર-ઠેર પાણીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. આટલું જ નહીં, ભારે પવન ઉપાડતા અનેક સ્થળોએ મોટા હોર્ડિંગ્સ તેમજ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. ભારે પવનના કારણે અનેક સ્થળોએ મરચાં-મસાલા તેમજ ફ્રુટ, શાકભાજીના મંડપ (પંડાલ) પણ ઉખડી ગયા હતા. ગત મધ્યરાત્રે વીજળીના કડાકા ભડાકા થતા ગાઢ નિંદ્રામાં સૂતેલા લોકો સફળતા જાગી ગયા હતા.
કમોસમી વરસાદ તેમજ ભારે પવનને પગલે રાત્રિના સમયે શહેરનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને સવારે પણ અનેક સ્થળોએ વીજ પુરવઠો બંધ રહેતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ભારે પવન તેમજ વરસાદના પગલે કાળઝાળ ગરમીના દિવસોમાં હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
ગત રાત્રિના કમોસમી માવઠાના કારણે ખંભાળિયા તાલુકામાં 12 મી.મી. (અડધો ઈંચ) વરસાદ નોંધાયો છે. કમોસમી માવઠાના પગલે ખેતરોમાં રહેલા પાકને પણ નુકસાની થવા પામી હતી. આજે સવારે પણ વાદળોની આવન-જાવન વચ્ચે સૂર્યનારાયણના દર્શન થયા હતા.