ગાંધીગ્રામ પોલીસે ચાર શખસોને ઝડપી રૂ.1.60 લાખની કિંમતના ત્રણ બાઇક કબજે કર્યા: વારંવાર ચોરી થતી તે સ્થળે ડિકોઇ ગોઢવી પોલીસે ગેંગને ઝડપી
રાજકોટ શહેરમાં મોડી રાત્રે રેકી કરી પાર્ક કરેલી કિંમતી સ્પોર્ટ્સ બાઇક ચોરીને રાજસ્થાન લઇ જતી ગેંગના ચાર શખસોને ગાંધીગ્રામ પોલીસની ટીમે ઝડપી લીધા છે. પોલીસે ચારેયની પૂછપરછ કરતાં અલગ-અલગ સ્થળેથી ત્રણ બાઇક ચોરી કર્યાની કબૂલાત આપતા રૂ.1.60 લાખની કિંમતના ત્રણ ચોરાઉ બાઇક કબજે કર્યા છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિક, ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇ અને એસીપી આર.એસ. બારીઆની સૂચના અને ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એચ.પી. ગઢવીના માર્ગદર્શન હેઠળ ગાંધીગ્રામ પોલીસનો ડી સ્ટાફની ટીમ મિલકત સંબંધી ગુના શોધવા પેટ્રોલિંગમાં હતી. શહેરમાં જ્યાં વારંવાર વાહનચોરીના બનાવો બનતા હતા ત્યાં ડિકોય ગોઠવી તેમજ ખાનગી બાતમીદારો મારફતે ચોરોને ઝડપી લેવા પ્રયાસો ચાલી રહ્યા હતા. દરમિયાન બાતમીના આધારે રાજસ્થાની ગેંગના ચાર શખ્સોને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધા હતાં.
પકડાયેલા શખસોના નામ કમલકિશોર પુનમચંદ ગરાસીયા (ઉ.વ.20), રાહુલ મગનલાલ કટારા (ઉ.વ.20), પ્રવિણકુમાર મંગલસિંહ કટારા (ઉ.વ.20) અને રોહિતભાઇ સંતુલાલ પારધી (ઉ.વ.21) (રહે. ચારેય રાજકોટના રૈયા ચોકડી નજીક જનતા ડેરી પાસે પટ્ટામાં, મૂળ ગંગાતલાઇ જિ. બાંસવાડા, રાજસ્થાન) હોવાનું માલુમ પડયું હતું.
પોલીસે આરોપીઓ પાસેથી યામાહા આર 15, નં. જીજે-04-ડીએમ-2752, કિંમત રૂ.1 લાખ, કેટીએમ આરસી 125, નં. GJ-03-LK-2772, કિંમત રૂ.40 હજાર અને હીરો સ્પ્લેન્ડર, નંબર જીજે -13-એસ -2594, કિંમત રૂ.20 હજાર મળી કુલ રૂ.1.60 લાખની ત્રણ બાઇક કબજે કરી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના બે તથા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો એક મળી કુલ ત્રણ ગુનાના ભેદ ઉકેલયા છે.
આ કામગીરીમાં પીઆઇ એચ.પી. ગઢવી, પીએસઆઇ એસ.વી. ગોહીલ, એએસઆઇ ચેતનસિંહ ગોહીલ, હેડ કોન્સ્ટેબલ રવીભાઇ ગઢવી, રોહિતદાન ગઢવી, ભવદીપસિંહ ગોહીલ, શબ્બીરખાન મલેક તથા પોલીસ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજા, વિપુલભાઇ ગઢવી, જયદેવસિંહ પરમાર, ચાંદદીપસિંહ જાડેજા, પ્રશાંતભાઇ ગજેરા, કૌશિકભાઇ ડાંગર અને હોમગાર્ડ હરદીપસિંહ જાડેજા સાથે રહ્યા હતાં.
નંબર પ્લેટ કાઢી બાઇક રાજસ્થાન લઇ જતા
ઝડપાયેલી રાજસ્થાની ગેંગની મોડસ ઓપરેન્ડી અંગે પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓ મોડી રાત્રે શહેરમાં અલગ-અલગ શેરીઓમાં પગપાળા ફરી રેકી કરતા હતા. જાહેર રોડ પર હેન્ડલ લોક વગરની સ્પોર્ટ્સ બાઇક પાર્ક કરેલી નજરે પડે તો તેની ચોરી કરી નંબર પ્લેટ કાઢી નાખતા અને બાઇક પોતાના વતન રાજસ્થાન લઇ જતા હતા. આ ગેંગના કમલકિશોર સામે અગાઉ એક ગુનો નોંધાઇ ચૂકયો છે.
મજુરી માટે રાજકોટ આવી વતન જવું હોય
સ્પોર્ટસ બાઇક ચોરી સીનસપાટા કરતા હતા
પોલીસે જણાવ્યું હતું કે, આ ત્રિપુટીની પુછતાછ કરતા તે રાજસ્થાનથી મજુરી કામ માટે રાજકોટ આવતા હતાં. બાદમાં તેમને જયારે વતન જવું હોય ત્યારે તે બાઇક ચોરી કરતા હતા. ખાસ કરીને સ્પોર્ટસ બાઇક ચોરી કરતા કારણ બાદમાં તે આ બાઇક લઇ પોતાના વતન જઇ સીનસપાટા કરતા હતાં.