એસઓજીએ હાલ રાજકોટના કુવાડવામાં રહેતાં રાજસ્થાનીને રૂા. ૨.૮૯ લાખના પોષડોડા સાથે ગ્રીનલલેન્ડ ચોકડી નજીકથી ઝડપી લીધો હતો. આ શખસ અગાઉ પણ પોતાના વતનથી આવા ડોડવાની ત્રણ વખત ખેપ મારી આવ્યો હતો. ચોથી ખેપનો માલ વેંચે એ પહેલા જ એસઓજીએ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
શહેરમાં યુવાધનને નશાના રવાડે ચડતા અટકાવવા અને નાર્કોટીક્સ પદાર્થોનું વેચાણ તેમજ સેવન રોકવા માટે સે નો ટુ ડ્રગ્સ ઝુંબેશ અંતર્ગત ઉચ્ચ પોલીસ અધિકારીઓના આદેશના પગલે એસઓજીની ટીમ તપાસમાં હતી. દરમિયાન એએસઆઈ રાજેશભાઈ બાળા, સિધ્ધરાજસિંહ જાડેજા તથા કોન્સ. જયપાલસિંહ ઝાલાને મળેલી બાતમી પરથી ગ્રીનલેન્ડ ચોકડીથી આગળ નવાગામ જવાના રસ્તાની સામે આવેલ શિવ શક્તિ હોટલ બહાર રોડ પરથી એક શખસને પોષડોડાના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને બી-ડિવીઝન પોલીસમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવાયો હતો. આ શખસની પુછતાછ કરતા તેણે પોતાનું નામ ચુનારામ માલારામ જાટ (ઉં.વ. ૩૭, ધંધો-કારખાનામાં મજુરી, રહેવાસી, હાલ-કુવાડવા ગામ જીઆઈડીસીમાં, તા.જી. રાજકોટ, મુળ એડસિંઘરી ગામ, જી. બાડમેર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. એફએસએલ અધિકારી કે. એમ. તાવીયાએ આ શખ્સ પાસે થી મળેલો પદાર્થ પોષડોડા હોવાનો અભિપ્રાય આપ્યો હતો. કુવાડવા જીઆઈડીસીમાં રહી મજૂર સપ્લાય કરવાનું કામ કરતો ચુનારામ પોતાના વતન રાજસ્થાનથી આ પદાર્થ લાવ્યાનું રટણ કરતો હતો. તે અગાઉ પણ ત્રણેક ખેપ મારી આવ્યો હતો. મોટે ભાગે મજૂરોને તે આ પોષડોડાનું વેંચાણ કરે છે. આ વખતે ચોથી ખેપમાં એસઓજીના હાથે પકડાઈ ગયો હતો. તેની પાસેથી રૂા. ૨,૮૯,૫૦૦ના ૧૬.૩૦૦ કિલોગ્રામ પોષડાડા, ૪૦ હજારનો આઈફોન કબ્જે કરાયા છે. વધુ તપાસ માટે બી-ડિવીઝનમાં સોંપાયો છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલિક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઈમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઈ એન. બી. ચૌધરી, સાયબર ક્રાઈમ પીઆઈ બી.બી. જાડેજા, એસઓજી શાખાના પીએસઆઈ બી.વી. ચુડાસમા, એએસઆઈ અરૂણભાઈ બાંભણીયા, રાજેશભાઈ બાળા, સિધ્ધરાજસિંહ જાડેજા, કોન્સ. જયપાલસિંહ ઝાલા, રવિભાઈ ધગલ, મહિલા કોન્સ. મોનાબેન બુસા, ભાગ્યલક્ષ્મીબા ઝાલા તથા ડ્રાઇવર કોન્સ. નિર્મળસિંહની ટીમે આ કામગીરી કરી હતી.