BREAKING NEWS

રાજકોટ એરપોર્ટ પાયલોટ્સ ટ્રેનિંગ માટે પ્રથમ પસંદ : એક વર્ષમાં 843 ઉડાન

  • February 04, 2026 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટે હવે પાયલોટ ટ્રેનિંગ માટે પણ વિશેષ ઓળખ બનાવી છે. રાજકોટ એરપોર્ટ તેના 3040 મીટરના લાંબા રન-વેના કારણે નવા પાયલોટ્સની ટ્રેનિંગ માટે ખાનગી ટ્રેનિંગ એકેડેમી દ્વારા પ્રથમ પસંદગી બની રહ્યો છે. રાજકોટ એરપોર્ટ પર છેલ્લા એક વર્ષમાં અમરેલી, મહેસાણા, જામનગર વડોદરા અને મુંબઈ સહિતનની ફ્લાઈંગ ક્લબ અને ટ્રેનિંગ એકેડમી દ્વારા 843 ફ્લાઈટના ઓપરેશન દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી.

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે મુસાફરો માટે 24 કલાક ધમધમતું રહેતું એરપોર્ટ હવે ફ્લાઈંગ ક્લબ અને ટ્રેનિંગ એકેડમી માટે પાયલોટ ટ્રેનિંગનું હબ બની ગયું છે. રાજકોટ એરપોર્ટ પર દૈનિક 10 થી વધુ તાલીમી વિમાનો દ્વારા પાયલોટસને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જેના કારણે રાજકોટ એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ વિભાગ સતત વ્યસ્ત રહે છે. લાંબા રનવેના કારણે નાઈટ લેન્ડિંગ, ઇમરજન્સી બ્રેકિંગ, તથા ડી ચેન્જ પ્રેક્ટિસ માટે અનુકૂળ બની રહ્યું છે. રાજકોટ એરપોર્ટ પર એવીએશન ગ્રેડ નાઈટ લાઇટિંગ સિસ્ટમ, અધ્યતન ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ સહિતના માળખાના કારણે પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે પણ પાયલોટસને ટ્રેનિંગ આપી શક્યા બની રહી છે.

રાજકોટ એરપોર્ટ પર પાયલોટ્સને ઓવર ફલાઈંગ, સર્કિટ ટ્રેનિંગ, ઇન્સ્ટ્રુમેન્ટ ફ્લાઈંગ અને ટ્રાફિક સંકલન સહિતના પાઠ ભણાવવામાં આવે છે. આ ઉપરાંત લેન્ડિંગ અને ટેક ઓફ માટે જો પાર્કિંગની ઉપલબ્ધતા હોય તો ટ્રેનિંગ વિમાનોને ગ્રાઉન્ડની સુવિધા પણ પૂરી પાડવામાં આવી રહી છે. જેના કારણે ખાનગી ફ્લાયિંગ ટ્રેનિંગ એકેડમીઓ દ્વારા રાજકોટ એરપોર્ટની પાયલોટ ટ્રેનિંગ માટે પ્રથમ પસંદગી કરવામાં આવી રહી છે.


એરપોર્ટ કર્મીની સતર્કતાથી‌ મહિલાને ખોવાયેલું પર્સ એક કલાકમાં પરત

રાજકોટ એરપોર્ટ ટર્મિનલ પર મુસાફરોના કીમતી સામાન મળી આવે ત્યારે તેના માટે ટર્મિનલ વિભાગના વડા હર્ષ પટેલના નેતૃત્વમાં લોસ્ટ એન્ડ ફાઉન્ડ વિભાગમાં જમા કરવામાં આવેલી ચીજ વસ્તુઓ શોધીને તેના મૂળ માલિકને પરત કરવામાં આવે છે. આવી જ એક ઘટનામાં રાજકોટ એરપોર્ટ પર મહિલાનું કીમતી સામાન સાથેનું પર્સ ખોવાઈ ગયું હતું, ત્યારે ડ્યુટીમાં તૈનાત લોસ્ટ એન્ડ ફાઉન્ડ વિભાગના કર્મચારીની સતર્કતાથી માત્ર એક કલાકની અંદર તે મહિલાને શોધી અને પર્સ પરત કરવામાં આવતા તેણે રાજકોટ એરપોર્ટના કર્મચારીઓની પ્રશંસા કરી હતી. તેમજ તેઓનો આભાર માન્યો હતો. આજ રીતે વધુ એક ઘટનામાં રાજકોટ એરપોર્ટના લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડિપાર્ટમેન્ટને ડાયમંડની રીંગ પણ મળી આવેલી છે. જેના માલિકની શોધખોળ કરવાની કાર્યવાહી હાલ ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application