રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ નથી થઈ પરંતુ વિન્ટર શેડ્યુલમાં એર ઇન્ડિયા અને ઈન્ડિગો સહિત વિવિધ એરલાઇન્સની મુંબઈ, પુના, દિલ્હી, બેંગ્લોર, હૈદરાબાદ અને ગોવા જેવા શહેરોની નવી વધારાની ફ્લાઈટ મુકાયા બાદ વિવિધ સુવિધાઓનો વધારો થતા હવાઈ મુસાફરોની સંખ્યામાં પણ વધારો નોંધવામાં આવ્યો છે. રાજકોટના હીરાસર સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જાન્યુઆરી મહિનામાં 381 જેટલી ફ્લાઈટ દ્વારા 69,428 મુસાફરોનો આગમન અને 67,017 પ્રસ્થાન મળીને કુલ 1,36,445 મુસાફરોએ હવાઈ મુસાફરી ખેડી હતી.
જાન્યુઆરી મહિનામાં રાજકોટના આંગણે સૌરાષ્ટ્ર-કચ્છ રીજનલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ-વિદેશના ડેલીગેશન રાજકોટની મુલાકાત કરી હતી. જેમાં દેશભરના વિવિધ રાજ્યો સહિત વિવિધ દેશના નેતાઓ, ઉદ્યોગપતિઓ સહિત વિવિધ દેશોના ડેલીગેશન ઉપરાંત વિદ્યાર્થીઓ પણ રાજકોટના આંગણે પધાર્યા હતા. જેના કારણે પણ જાન્યુઆરી મહિનામાં રાજકોટ એરપોર્ટ પરના હવાઈ મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હોવાનું માનવામાં આવે છે.ગત જાન્યુઆરી માસમાં એરપોર્ટ પર વિવિધ સુવિધાઓનો તબક્કા વાર પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમજ વાઇબ્રન્ટ સમિટનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં ચા-પાણી નાસ્તાના વિવિધ આઉટલેટ્સ અને પટોળા સ્ટોલ સહિતનો સમાવેશ થાય છે. ત્યારે સમગ્ર જાન્યુઆરી દરમિયાન ઈન્ડિગો અને એર ઇન્ડિયા દ્વારા વિવિધ શહેરોની એક ડઝન કરતાં વધુ ફ્લાઈટનું સપ્તાહના ત્રણ દિવસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેનો લાભ બહોળા પ્રમાણમાં મુસાફરોએ લીધો હતો. પરિણામે રાજકોટ એરપોર્ટ હવે 24 કલાક ફ્લાઈટના આવાગમનથી ધમધમી રહ્યું છે.
જાન્યુઆરી મહિનામાં સૌરાષ્ટ્રના સોમનાથ અને દ્વારકા જેવા ધાર્મિક પ્રવાસન ક્ષેત્રોના મુલાકાતીઓની સંખ્યા પણ જાન્યુઆરી મહિનામાં વધારે થઈ છે. ત્યારે તેની સીધી અસર હવાઈ મુસાફરો પર જોવા મળી હતી. આ ઉપરાંત ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હતો. તેમજ દેશના કનેક્ટિંગ શહેરોની ફ્લાઈટ પણ ઓપરેટ કરવામાં આવી હતી. જેનો સૌરાષ્ટ્રભરના મુસાફરોએ હોશ ભેર લાભ લીધો હતો. ગત ડિસેમ્બરમાં 351 ફ્લાઈટના સંચાલનનો લાભ 1,15000થી વધુ મુસાફરોએ લીધો હતો. તેની સરખામણીમાં જાન્યુઆરીમાં વધુ 30 ફ્લાઈટનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેના કારણે રાજકોટ એરપોર્ટના હવાઈ મુસાફરોની સંખ્યામાં 21,000નો વધારો નોંધવામાં આવ્યો હતો.