BREAKING NEWS

૨૫ લાખે પહોંચેલી રાજકોટ શહેરની વસતી ગણતરી માટે મનપા પાસે પૂરતો સ્ટાફ નથી

  • February 14, 2026 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટની વસ્તી ગણતરી માટે મહાપાલિકાએ સ્ટાફની ગોઠવણીનો પ્રારંભ કર્યો છે. પરંતુ તમામ વોર્ડમાં ગણતરી માટે કુલ પાંચ હજાર કર્મચારીઓની જરૂરીયાત હોવા સામે દરેક વિભાગમાંથી સ્ટાફ માંગવા છતાં ૨૫૦૦નો સ્ટાફ એકત્રિત થતા હજુ ૨૫૦૦ની ઘટ પડે છે.

વસ્તી ગણતરીની રાષ્ટ્રીય કામગીરી નિયત સમય મર્યાદામાં સુપેરે પૂર્ણ થાય તે માટે હવે ખાનગી શાળાના સ્ટાફને તાલીમ આપી મેદાનમાં ઉતારવાની વ્યૂહ રચના ઘડાઇ છે.

રાજકોટમાં વસ્તી ગણતરીની કામગીરી આડે મોટું વિઘ્ન સામે આવ્યું છે. આ કામગીરી માટે મનપા તંત્રને ૫૦૦૦ કર્મચારીઓની જરૂરિયાત છે. જેની સામે મનપા તેમજ મનપા સંચાલિત સરકારી શાળાઓ મળી માત્ર ૨૫૦૦નો સ્ટાફ હાલ ઉપલબ્ધ છે. એટલે જરૂરિયાત કરતા અડધો જ સ્ટાફ ઉપલબ્ધ હોવાથી અધિકારીઓ મૂંઝવણમાં મુકાયા છે.

ખાસ કરીને વર્ષ ૨૦૧૧ પછી લાંબા સમયના અંતરાલ બાદ ૨૦ એપ્રિલ-૨૦૨૬થી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી હોવાથી તેમાં અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આ વખતે રાજકોટના ભૌગોલિક નકશામાં થયેલા મોટા ફેરફારો અને નવા ભળેલા વિસ્તારોને કારણે કામગીરીનું ભારણ વધ્યું છે. જેની સામે સૌથી મોટો પ્રશ્ન સ્ટાફની અછતનો ઉભો થયો છે. જેને લઈ ખાનગી શાળાઓના સ્ટાફની મદદ લેવા સહિતના અન્ય પાસાઓ અંગે ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવી રહ્યો છે.

વિશેષમાં રાજકોટ મહાપાલિકાના શાખા અધિકારી પ્રણય પંચાલના જણાવ્યા મુજબ, આગામી વસ્તી ગણતરીની પ્રક્રિયા બે તબક્કામાં વિભાજિત કરાઈ છે. આ વખતે ગણતરીની પદ્ધતિમાં પેપરવર્કને બદલે સંપૂર્ણ પ્રક્રિયા ડિજિટલ માધ્યમથી કરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં માત્ર હાઉસ લિસ્ટિંગ કરવામાં આવશે. આ પછી ફેબ્રુઆરી ૨૦૨૭માં વાસ્તવિક વસ્તી ગણતરી કરવામાં આવશે. જેમાં દરેક વ્યક્તિની વિગતવાર માહિતી જેવી કે, ઉંમર, શૈક્ષણિક લાયકાત, વ્યવસાય અને અન્ય જાણકારી એકત્ર કરવામાં આવશે. ત્યારબાદ વસ્તી ગણતરીનું સાચું પરિણામ સામે આવશે. રાજકોટ મનપા દ્વારા કરવામાં આવેલા માઈક્રો પ્લાનિંગ મુજબ, જેમાં મહાપાલિકાનો પોતાનો સ્ટાફ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સરકારી શાળાઓના શિક્ષકો અને આચાર્યોનો સમાવેશ થાય છે. આમ, જરૂરિયાત કરતા પચાસ ટકા સ્ટાફ ઓછો હોવાને કારણે કામગીરી સમયસર પૂર્ણ થશે કે કેમ તે બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વસ્તી ગણતરી એ નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવાની પ્રક્રિયા છે, જો સ્ટાફ ઓછો હોય તો એક કર્મચારી પર કામનું ભારણ વધે છે અને ડેટાની ચોકસાઈ પર પણ તેની અસર પડી શકે છે. આ સ્ટાફની ઘટ પૂરી કરવા માટે હવે મનપા તંત્ર દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે.

મનપાનાં ચૂંટણી અધિકારી પ્રણય પંચાલના જણાવ્યા અનુસાર, ઘટતા ૨૫૦૦ કર્મચારીની વ્યવસ્થા કરવા માટે વિવિધ વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં શહેરમાં આવેલી ખાનગી શાળાઓના શિક્ષકો અને બિન-શૈક્ષણિક સ્ટાફને આ સરકારી કામગીરીમાં જોડવા માટે મંજૂરી મેળવવા પ્રક્રિયા ચાલી રહી છે. જો સરકાર તરફથી મંજૂરી મળશે, તો ખાનગી શાળાના સ્ટાફને જરૂૂરી તાલીમ આપીને મેદાનમાં ઉતારવામાં આવશે. આ સિવાય વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકો અને એલઆઈસી જેવી સંસ્થાઓના કર્મચારીઓની સેવાઓ લેવા માટે કલેક્ટર મારફત પત્રવ્યવહાર કરવામાં આવ્યો છે. સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કર્મચારીઓને પણ કામગીરીમાં સામેલ કરવા અંગે વિચારણા ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application