રાજકોટ સિવિલ હોસ્પિટલના બંને નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટએ ગઈકાલે વિધિવત ચાર્જ સંભાળી લેતા બંનેને હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા આવકારવામાં આવ્યા હતા. આ સાથે પીડીયુને ત્રણ વર્ષ બાદ નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટ મળતા ગોથે ચડેલી નર્સિંગ સિસ્ટમમાં સુધારો આવે તેવી સંભવિત શક્યતા જણાઈ રહી છે. જો કે સિવિલ હોસ્પિટલની વહીવટી કામોમાં ખરડાયેલી છાપ ગાંધીનગર સુધી છે તેમાં પણ સુધારો લાવવામાં આવે એટલું જ જરૂરી છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલ છેલ્લા ત્રણ વર્ષથી અને એમસીએચ (ઝનાના) હોસ્પિટલ દોઢેક વર્ષથી કાયમી નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટ વગર ચાલતી હોવાથી કેટલાક નર્સિંગ કર્મચારીઓ પોતાના સમય અને નિયમો મુજબ નોકરી કરતા થઈ ગયા હતા. ફરજ પર સતત બેજવાબદારીઓના લીધે સારવાર સહિતની બાબતે ગંભીર અસર જોવા મળી રહી છે. જેનો ભોગ દર્દીઓ અને સિસ્ટમ પણ બની રહી હતી. જે સિનિયર કર્મચારીઓને નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટનો ચાર્જ સોપવામાં આવતો હતો એ છ મહિના વર્ષ સુધીમાં નિવૃત થતા હોવાથી કોઈ નક્કર પગલાં ન લેવાતા જુનિયર નર્સીંગ કર્મચારીઓ પણ પોતાની ધોરાજી ચલાવી રહ્યા છે.
બંનેએ વિધિવત ગઈકાલે જ ચાર્જ સંભાળ્યો હતો
જો કે સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જીપીએસસીના રિઝલ્ટ બાદ પણ લાંબા સમય બાદ રાજ્યની સિવિલ હોસ્પિટલમાં ઘણા વર્ષથી ખાલી પડેલી નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટની જગ્યા (વર્ગ-2) પર પોસ્ટિંગનો ઓર્ડર કરતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિદ્ધપુર પાટણના પ્રકાશ પ્રજાપતિ અને સિવિલમાં જ ફરજ બજાવતા નીરવ દુધરેજીયાની નિમણુંક કરવામાં આવી છે. બંનેએ વિધિવત ગઈકાલે જ ચાર્જ સંભાળ્યો હતો. અને પીડીયુ તેમજ ઝનાનાના તમામ વિભાગોમાં રાઉન્ડ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. સંભવિત નીરવ દુધરેજીયા એમસીએચના અને પ્રકાશ પ્રજાપતિ પીડીયુના નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે રહેશે.
સિસ્ટમમાં ફેરફાર કરવાની સાથે સરકારી નિયમો મુજબ કામ લેવામાં આવશે
હાલ બંને એક જ ઓફિસમાં સાથે બેસી એક ટિમ વર્કથી કામ કરવાનું નક્કી કર્યું છે. અને જૂની સિસ્ટમ કેવી રીતે ચાલી રહી છે કોણ સ્ટાફ ક્યાં કામ કરી રહ્યો છે સહિતની બાબતે જાણકારી મેળવ્યા બાદ ધીમી રાહે સિસ્ટમમાં ફેરફાર કરવાની સાથે સરકારી નિયમો મુજબ કામ લેવામાં આવશે. જે હાલની સ્થિતિએ વિપરીત છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, નીરવ દુધરેજીયા સિવિલમાં જ નર્સિંગ કર્મચારી તરીકે ફરજ બજાવતા હોવાથી કામકાજ અને સ્ટાફથી રજે રજ વાકેફ હોવાથી તેમના માટે ઝનાનામાં એટલું કપરું નહીં બને. પરંતુ પ્રકાશ પ્રજાપતિ માટે કેમ્પસ જ નવું હોવાથી થોડા મહિનાઓ સુધી વેઇટ એન્ડ વોચ જેવી સ્થિતિ રહેશે.
અંદર કી બાત: નવા સુપ્રિ.ના આવતાની સાથે જ બદલી માટેના પ્રયાસ
જીપીએસસી પાસ કરી વર્ગ-2ના અધિકારી તરીકે નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટના પ્રમોશન સાથે પાટણ સિદ્ધપુરના પ્રકાશ પ્રજાપતિનું સૌરાષ્ટ્રમાં આ પહેલું પોસ્ટિંગ છે. તેમની વડોદરા કે આસપાસમાં પોસ્ટિંગ માટે સરકારમાં પોતાના મેરીટ આધારે માગણી હતી પરંતુ સરકાર દ્વારા આ બાબતે કાંઈ સાંભળવામાં આવ્યું ન હોવાથી નિરાશા વ્યાપી હતી. આવા વલણની સામે એક તબક્કે ફાઇટ આપવાનું પણ નક્કી કર્યું હતું. પરંતુ સરકાર જ નોકરી માટે માઈ બાપ હોવાથી અંતે ના છૂટકે રાજકોટ પીડીયુમાં ચાર્જ સંભાળવો પડ્યો છે. ચાર્જ સંભાળ્યાની સાથે જ તેઓ પોતાની બદલી ઘર પરિવાર નજીકની જગ્યા પર થાય તેના માટેના ભરપૂર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પરંતુ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી નિષ્ઠા પૂર્વકની કામગીરી કરશે તેવી પણ હોસ્પિટલના વહીવટ કર્તાઓને ખાત્રી આપી છે. ત્યારે જોવાનું રહ્યું છે કે, નવા સુપ્રિન્ટેન્ડેન્ટ કેટલો સમય સુધી સિવિલમાં સેવામાં કાર્યરત રહે છે અને અગાઉના ઇન્ચાર્જ સુપ્રિ.એ બગાડેલી સિસ્ટમમાં કેટલો ઝડપથી સુધારો લાવે છે.
સિવિલની છાપ વહીવટી રીતે ગાંધીનગર સુધી ખરડાયેલી
એક સમયે વહીવટી અને પોલીસ તંત્રમાં રાજકોટમાં પોસ્ટિંગ માટે ગાંધીનગરમાં વહેલા તે પહેલાની હોડ લાગતી હતી પરંતુ હવે સરકારી અધિકારીઓ માટે રાજકોટ જાણે સજાનું કેન્દ્ર હોય તેવી છાપ અધિકારી માનસમાં ઉપસી છે. ટીઆરપી અગ્નિકાંડ બાદ દાઝેલા અધિકારીઓ અને નવા પોસ્ટિંગ સાથે આવતા અધિકારીગણ ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજકોટની તાસીરથી ખુબ વાકેફ બનતા સરકાર દ્વારા ફરજીયાત પોસ્ટિંગ કરવામાં આવે તો પણ ક સુરે પોતાનો ચાર્જ સંભાળી જેટલી વહેલી તકે બદલી થાય એવા સતત પ્રયત્નોમાં લાગે છે. આ માત્ર વહીવટી, મહાપાલિકા કે પોલીસ તંત્ર પૂરતું જ નથી પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલની પણ આજ હાલત છે. સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટની જગ્યા હોય કે નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટની સિવિલમાં આવવા કોઈ રાજી નથી. નવ નિયુક્ત નર્સીંગ સુપ્રિન્ટેન્ડેન્ટ પ્રકાશ પ્રજાપતિને સરકારે સિવિલની વહીવટી કુશળતાને ધ્યાને રાખી મુકવામાં આવ્યા છે. કારણ કે, એક તબક્કે ફિમેલ નર્સીંગ સુપ્રિન્ટેન્ડેન્ટ મુકવાનું નક્કી થયાની વાત આવી હતી પરંતુ સિવિલના વહીવટી બાબતમાં છાપ ગાંધીનગર સુધી એટલી હદે ખરાબ છે કે ફરજીયાત પણે મેલ અધિકારીને મુકવાની ફરજ પડી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech