રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખાખી જાળીયા, માખીયાળી અને સાતવડી ગામની કલેક્ટર ડો. ઓમપ્રકાશ દ્વારા ગત તા. ૬ ઓગસ્ટના રોજ મુલાકાત લઈ સામાન્ય દફતર તપાસણી કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટરે ગ્રામ્ય વહીવટ અને સ્થાનિક સુવિધાઓ અંગે વિવિધ માહિતી મેળવી હતી. તેમજ ઉપલેટા અને ભાયાવદરના પોલીસ સ્ટેશનની પણ તપાસણી કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, ગામોની મુલાકાત દરમિયાન ગ્રામ પંચાયતના મકાન અંગેની વિગતો મેળવવામાં આવી હતી. તેમજ વિસ્તારમાં થયેલા વરસાદ અને તેની સ્થિતિ અંગે પણ માહિતી મેળવી હતી. આ ઉપરાંત ગ્રામજનો અને હાજર અરજદારો સાથે સીધી ચર્ચા કરી તેમની રજૂઆતો અને સ્થાનિક પ્રશ્નો જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કલેક્ટરે ગામમાં શિક્ષણની સુવિધા કયા ધોરણ સુધી ઉપલબ્ધ છે તેની માહિતી મેળવી હતી. આંગણવાડી કેન્દ્રોની કામગીરી તથા તેની સુવિધાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ગામની કુલ વસ્તી, મુખ્ય વ્યવસાય તેમજ ખેડૂતો દ્વારા લેવામાં આવતા વિવિધ ખેતીવિષયક પાકો અંગેની વિગતો પણ મેળવવામાં આવી હતી. ગામમાં અન્ય કોઈ સમસ્યા કે પ્રાથમિક સુવિધાને લગતી મુશ્કેલી હોય તો તે અંગે પણ ગ્રામજનો પાસેથી માહિતી મેળવવામાં આવી હતી. આ ઉપરાંત કલેકટરે ઉપલેટા અને ભાયાવદર પોલીસ સ્ટેશનની પણ તપાસણી કરવામાં આવી હતી. પોલીસ મથકની કામગીરીની સમીક્ષા દરમિયાન હિસ્ટ્રીશીટરો અંગેની માહિતી તેમજ નિયત રજીસ્ટરોની જાળવણી અને કામગીરીની વિગતો તપાસવામાં આવી હતી. પોલીસ સ્ટેશનના બિલ્ડિંગ અને ઉપલબ્ધ માળખાકીય સુવિધાઓ અંગે પણ જરૂરી માહિતી મેળવવામાં આવી હતી. પ્રોહિબિશન સંબંધિત કેસોની સમીક્ષા દરમિયાન કલેક્ટરે આવા કેસોમાં વધુ રકમના જામીન લેવા અંગે પોલીસ અધિકારીઓને સૂચના આપી હતી. સમગ્ર તપાસણી દરમિયાન વહીવટી કામગીરી, ગ્રામ્ય સુવિધાઓ અને કાયદો-વ્યવસ્થાને લગતી બાબતોની સ્થળ પર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application