ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ રાજ્યભરમાં દારૂની પ્રવૃત્તિ સામે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે ત્યારે રાજકોટ શહેર પોલીસે પણ પ્રોહિબિશન ડ્રાઇવ યોજી હતી. રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા અને અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલિકના માર્ગદર્શન હેઠળ 18થી 21 ઓગસ્ટ દરમિયાન ત્રણ દિવસ ડીસીબી, પીસીબી તથા તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન દારૂના કબજાના 130 કેસ અને દારૂ પીવાના 8 કેસ મળી કાર્યવાહી કરવામાં આવી હોવાનું ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું.
ડીસીપી જગદીશ બાંગરવાએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અગાઉ દારૂનું નેટવર્ક ચલાવતી બે ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સો સામે પાસા, તડીપાર તેમજ પ્રોહિબિશન એક્ટની કલમ 93 હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પોલીસ દ્વારા દારૂની હેરાફેરી કે અન્ય કોઇપણ ગેરકાયદે પ્રવૃત્તિ અંગે નાગરિકોને માહિતી આપવા અપીલ કરવામાં આવી છે. આવી માહિતી ક્રાઇમ બ્રાંચના મોબાઇલ નંબર 63596 29896 પર આપી શકાશે અને માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.