BREAKING NEWS

રાજકોટ જિલ્લા કલેક્ટરતંત્ર વાઇબ્રન્ટમય

  • December 22, 2025 09:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



વડાપ્રધાનની સંભવિત ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે આગામી ૧૦-૧૧-૧૨ જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સના આયોજન અંગે જિલ્લા કલેકટર ઓમપ્રકાશની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.

વાઇબ્રન્ટ ગુજરાત રિજ્નલના આયોજન અંગે જિલ્લા કલેક્ટર દ્વારા ર૦ સમિતિઓનુ ગઠન કરવામાં આવ્યું છે. સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના ૧૨ જિલ્લાઓમાં રહેલી ઔદ્યોગિક ક્ષમતાઓને વિસ્તરવા માટે આંતરરાષ્ટ્રીય ફલક પૂરું પાડનાર આ કાર્યક્રમના આયોજન અંગે રચાયેલી સમિતિના અધ્યક્ષો અને સભ્યો સાથે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.

કોન્ફરન્સમાં સામેલ થનારા ઉદ્યોગ સાહસિકો, એમ.એસ.એમ.ઈ.- વિવિધ ઔદ્યોગિક એસોસિયેશન્સ વગેરેને ઉચ્ચ કક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા કલેક્ટર ઓમપ્રકાશે ઉપસ્થિતોને સૂચના આપી હતી. આરોગ્ય અંગેની કોઈ પણ પ્રકારની આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવાનું ઉત્તમ આયોજન કરવા પર કલેક્ટરએ વિશેષ ભાર મૂક્યો હતો.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર એમ.કે.લાડાણીએ જણાવ્યું હતું કે સમગ્ર કોન્ફરન્સ દરમિયાન ત્રણ દિવસમાં ૪૦ થી ૪૫ સેમિનાર યોજવાનું આયોજન ઘડાઈ રહ્યું છે, આ માટે રપ હજાર ચોરસ મીટર વિસ્તારમાં ૬ ડોમ્સની રચના કરવામાં આવૈ, જેમાં ૧૨ થી વધુ સરકારી વિભાગોના સ્ટોલ્સ રાખવામાં આવશે.

ઉપરોક્ત મિટિંગમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્ય ડો.મહેન્દ્ર પાડલીયા, સામાજિક ન્યાય અને અધિકારી સમિતિના અધ્યક્ષ ભાનુબેન બાબરીયા, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર, આસિસ્ટન્ટ કલેક્ટર મહેક જૈન, ડી.સી.પી. હેતલ પટેલ, નિવાસી અધિક કલેકટર એન.કે.મુછાર, નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલા, રૂડાના સીઇએ ગૌતમ મિયાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એ.કે.વસ્તાણી, એડીશનલ કલેક્ટર ઈલાબેન ચૌહાણ, નાયબ કલેક્ટર ઈશિતા મેર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પ્રિયંક ગલચર, આયોજન અધિકારી નીતિન ટોપરાણી, જિલ્લા પુરવઠા અધિકારી આશિષ ઝાપડા, પ્રાંત અધિકારીઓ રાહુલ ગમારા, એન.એમ. તરખલા, ચાંદની પરમાર, વિમલ ચક્રવર્તી અને આર.આર.ખાંભરા સહિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સમિતિના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


કલેક્ટરે મિટિંગમાં આ ૧૬ મુદ્દે ચર્ચા કરી

૧.વડાપ્રધાનનો સંભવિત રોડ શો

૨.ઈનોગરલ ફંક્શન

૩.કાર્યક્રમના સ્થળોએ પાયાની સુવિધાની પૂર્તિ

૪.કાર્યક્રમ સ્થળે ફાયર-ઈલેકટ્રીકલ-લિફટ-સિવિલ વગેરેના જરૂરી સર્ટિફિકેટ આગોતરા મેળવવા

૫.સંબંધિત વિભાગોના ચેક લિસ્ટ તૈયાર કરવા ૬.નજીકના પ્રવાસન સ્થળોને સ્વચ્છ રાખવા ૭.બેઠક વ્યવસ્થા

૮.મંચ સજ્જા

૯.ઇન્વિટેશન કાર્ડ

૧૦.બિઝનેસમેન ટુ બિઝનેસમેન મિટિંગ

૧૧. બિઝનેસમેન ટુ ગવર્નમેન્ટ સેક્ટર મિટીંગ

૧૨.બેનર અને હોર્ડિંગ્સ

૧૩.પ્રવેશ પાસ

૧૪.પાર્કિંગ વ્યવસ્થા

૧૫.સ્મૃતિ ચિન્હ

૧૬. અન્ય આનુષાંગિક વ્યવસ્થાઓ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application