BREAKING NEWS

S.I.R. પછી મતદાર યાદીમાં તમારૂ નામ છે કે નહીં...? આજ અને કાલ જોઇ શકાશે

  • December 27, 2025 02:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



એસ.આઈ.આર.( મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ) પૂર્ણ થયા પછી પ્રસિધ્ધ કરાયેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાં તમારૂ નામ છે કે નહીં? તે આજ અને કાલ બે દિવસ દરમિયાન બુથ ઉપર નિહાળી શકાશે.૨૦૨૬ અંતર્ગત તમામ પાત્ર નાગરિકોને મતદાર યાદીમાં નામે નોંધણી, વિગતોની ચકાસણી તથા જરૂરી ફેરફાર કરવા માટે અપીલ કરવામાં આવી છે. પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાયના રાજકોટ જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરાઈ છે.

આ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ શહેર જિલ્લામાં મેગા ડોક્યુમેન્ટ કલેક્શન કેમ્પ (ખાસ ઝુંબેશ) કાલે અને તા.૨૭ ડિસેમ્બર શનિવાર અને તા.૨૮ ડિસેમ્બર ૨વિવાર તેમજ તા.૩ જાન્યુઆરી શનિવાર અને તા.૪ જાન્યુઆરી રવિવારના રોજ યોજાશે. આ દિવસોમાં નાગરિકો સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી પોતાના વિસ્તારના મતદાન મથકની મુલાકાત લઈ મતદાર યાદીમાં પોતાનું નામ, વિગતો તથા ફોટો ચકાસી શકશે અને જરૂરી જણાય તો સુધારા માટે અરજી કરી શકશે. રાજકોટ શહેર-જીલ્લાના તમામ ૨૫૧૫ મતદાન મથકો ઉપર બી.એલ.ઓ. ખાસ હાજર રહેશે.

મતદારો પાસેથી પુરાવા એકત્ર કરવા માટે ડોક્યુમેન્ટ કલેક્શન સેન્ટર જિલ્લા કક્ષાએ કલેક્ટર કચેરી ખાતે તથા વિધાનસભા કક્ષાએ પ્રાંત કચેરીઓ તથા તમામ મામલતદાર કચેરીઓ ખાતે શરૂ કરવામાં આવ્યા છે. આ સેન્ટરો પર જાહેર રજાના દિવસો સિવાય કામકાજના દિવસોમાં કચેરી સમય દરમિયાન રજૂ કરી શકાશે. ખાસ કરીને નો મેપિંગ શ્રેણીના મતદારો તેમજ નવા મતદારોને ફોર્મ ભરવા માટે આ સેન્ટરનો મહત્તમ લાભ લેવા અપીલ કરાઈ છે.

મતદાર સંબંધિત સેવાઓ માટે વિવિધ ફોર્મ ઉપલબ્ધ છે. નવા મતદાર માટે ફોર્મ-૬, મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે ફોર્મ- ૭ તથા સરનામું અથવા અન્ય વિગતોમાં ફેરફાર કરવા માટે ફોર્મ- ૮ ભરવાનું રહેશે. જેમની ઉંમર તા. ૦૧-૦૧-૨૦૨૬ના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ થાય છે તેવા પાત્ર નાગરિકોર્ને મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા અનુરોધ છે. આ સંદર્ભે એડિશનલ કલેકટર નારણ મુછાર ખાસ માર્ગદર્શન આપી રહ્યા છે.મતદાર નોંધણી તથા ફેરફાર માટે કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી તથા મતદાન મથક પર સંપર્ક કરી શકાશે. વધુ માહિતી માટે નાગરિકો હેલ્પલાઈન નં.૧૯૫૦ ઉપર પણ સંપર્ક કરી શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application