BREAKING NEWS

રાજકોટ જિલ્લા પંચાયતનું બજેટ કાલે કારોબારી સમિતિમાં રજૂ કરાશે

  • February 16, 2026 10:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની એક બેઠક આવતીકાલે બપોરે 11-30 વાગે મળવાની છે અને તેમાં નવા નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરવામાં આવશે. ચૂંટણીનું વર્ષ હોવાના કારણે આ બજેટમાં નવી યોજનાઓની ભારોભાર શક્યતા છે. સાથોસાથ બજેટનું કદ વધીને 30 કરોડ આસપાસ પહોંચે તેવું પણ જણાઈ રહ્યું છે.

જિલ્લા પંચાયતના ચૂંટાયેલા વર્તમાન બોર્ડની મુદત આવતા મહિને પૂરી થાય છે. ત્યારે કામચલાવ બજેટ રજૂ કરવાના બદલે પૂર્ણકક્ષાનું બજેટ રજૂ કરાઈ રહ્યું છે. નવી ચૂંટાયેલી બોડી આવશે ત્યારે આ બજેટ યથાવત રાખશે કે તેમાં કોઈ ફેરફાર કરશે તેવા સવાલો પણ અત્યારથી પુછાય રહ્યા છે.

કારોબારી સમિતિની બેઠકમાં બજેટ આવતીકાલે રજૂ થશે અને તેને મંજૂરી આપ્યા પછી આગામી તારીખ 27 ના રોજ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળશે અને તેમાં બજેટને અંતિમ બહાલી આપવામાં આવશે.

જિલ્લા પંચાયતના સુત્રોના જણાવ્યા મુજબ બજેટની સાથો સાથ કારોબારી સમિતિની આ બેઠક છેલ્લી હોવાના કારણે નવા પંચાયત ઘર બાંધવા માટેની ઢગલાબંધ દરખાસ્તો આવી છે અને તેને પણ ચૂંટણીમાં મુદ્દો બનાવવામાં આવે તેવું લાગે છે.

આવતીકાલની કારોબારી સમિતિની આ બેઠકમાં જામકંડોરણા તાલુકાના પીપરીયા ગુંદાસરી ચરેલ રાજકોટ તાલુકાના લાખાપર વડાળી બાડપર ગોંડલ તાલુકાના મોટા દડવા વાસાવડ મહિકા ભરૂડી નોઘણ પીપળીયા નાના મહીકા જસદણ તાલુકાના ઝુંડાળા રાણપરડા જીવાપર કાનપર જૂના પીપળીયા જામકંડોરણા તાલુકાના સાતોદડ થોરડી મેઘાવડ રાજકોટ તાલુકાના રાજગઢ મઘરવાડા ફાડદગ પારેવાળા ચાચડીયા જેતપુર તાલુકાના મોણપર અકાળા જૂની સાંકળી નવી સાકળી ડેડરવા જામકંડોરણા તાલુકાના ખજૂરડા વૈભવ નગર ખાટલી કોટડા સાંગાણી તાલુકાના પડવલા નોઘણચોરા રાજકોટ તાલુકાના પરા પીપળીયા હડમતીયા (બેડી) જાળીયા ધમલપર નાકરાવાડી રાજકોટ તાલુકાના હડમતીયા ગઢકા રાજ સમઢીયાળા લીલી સાજડીયાળી ભગડા હડાળા રાણપર સૂર્યારામપર સણોસરા વિજયનગર જેતપુર તાલુકાના પાંચપીપળા ખીરસરા જેતલસર વાડાસડા બોરડી સમઢીયાળા કેરાળી રબારીકા મંડલિકપુર જેપુર વગેરેનો સમાવેશ કરાયો છે.

પંચાયત ધારાની જોગવાઈ મુજબ એજન્ડામાં આગલી સમિતિની કાર્યવાહીને બહાલી અને અમલવારી નોંધને મંજૂરીની પ્રથમ બે દરખાસ્ત પંચાયત વિભાગ તરફથી કરવામાં આવતી હોય છે. અગત્યના ઠરાવો અને પરિપત્ર તેમજ સભ્યો તરફથી વંચાણે લેવા બાબતે કોઈ આઈટમ આવી હોય તો તે પણ ત્રીજા મુદ્દામાં સમાવેશ કરવામાં આવતી હોય છે . રૂટીન આ ત્રણ બાબતો પછી એજન્ડાની આઈટમો લેવામાં આવતી હોય છે. આ મુજબ કુલ 27 માંથી 23 દરખાસ્તો બાંધકામ શાખા તરફથી આવી છે અને એ માત્ર એક જ દરખાસ્ત બજેટ ને લગતી હિસાબી શાખા તરફથી મૂકવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application