BREAKING NEWS

રાજકોટ જિલ્લા પંચાયતનું નવું બિલ્ડિંગ ૧૦ મહિનામાં તૈયાર થઈ જવાની આશા

  • July 31, 2026 08:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના જિલ્લા પંચાયત ચોક ખાતે નિર્માણાધીન નવા જિલ્લા પંચાયત કચેરી બિલ્ડિંગની કામગીરી ઝડપથી આગળ વધી રહી તેમજ આગામી ૧૦ મહિનામાં બિલ્ડિંગ તૈયાર થઈ જશે તેવી આશા સેવાઈ રહી છે. વર્તમાન કામગીરીની સમીક્ષા કરવા માટે જિલ્લા પંચાયતના પ્રમુખ સંજય પીપળીયા, ઉપપ્રમુખ સામત બાંભવા, બાંધકામ સમિતિના ચેરમેન પ્રતિનિધિ મજબૂત હુંબલ, ઇન્ચાર્જ શિવાંગ ચૌધરી સહિત જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અને અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન બિલ્ડિંગના વિવિધ વિભાગોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ ચાલી રહેલી કામગીરી અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ સંજય પીપળીયાએ જણાવ્યું હતું કે, નવા જિલ્લા પંચાયત ભવનનું નિર્માણ સુવ્યવસ્થિત આયોજન સાથે અને ગુણવત્તાના ધોરણોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. તમામ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે સંબંધિત એજન્સીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે હાલ બાંધકામની કામગીરી સંતોષકારક ગતિએ ચાલી રહી છે અને આગામી ૮થી ૧૦ મહિનામાં સમગ્ર બિલ્ડિંગ સંપૂર્ણ તૈયાર થઈ જશે તેવી આશા છે. પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, નવા ભવનનું નિર્માણ પૂર્ણ થયા બાદ લોકાર્પણ સહિતની જરૂરી ઔપચારિક પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ જિલ્લા પંચાયતની કચેરીને ફરીથી તેના મૂળ સ્થળે કાર્યરત કરવામાં આવશે. નાગરિકોને વધુ સારી અને આધુનિક સુવિધાઓ મળી રહે તેમજ કર્મચારીઓને સુવિધાસભર કાર્યસ્થળ ઉપલબ્ધ થાય તે હેતુથી આ નવું ભવન તૈયાર કરવામાં આવી રહ્યું છે. સ્થળ મુલાકાત દરમિયાન પદાધિકારીઓએ બાંધકામની ગુણવત્તા, સુરક્ષા વ્યવસ્થા તેમજ સમયસર કામગીરી પૂર્ણ કરવા અંગે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. જિલ્લા પંચાયતના નવા ભવનનું કામ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય અને જનતાને વહેલી તકે તેનો લાભ મળી રહે તે માટે જિલ્લા પંચાયત દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી હોવાનું પણ જણાવાયું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application